
Vejapara Sarkar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાહેબ શેખને મળવા ગયા છે કે દેશ ને વેચવા કંઈ સમજાતું નથી વધુ એક બેંકનું ઉઠમણું City bank of mumbai” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 106 લોકોએ તેમને પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વધુ એક બેંકનું ઉઠમણું થયું જેનું નામ છે City bank of Mumbai.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે વધુ એક બેંકનું ઉઠમણુ થયુ હોય તો તે ખૂબ મોટી ઘટના કહેવાય અને તમામ મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય તેથી અમે ગૂગલ પર લખતા “सिटी बेंक ऑफ़ मुंबई का दिवाला निकला” અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ આ પ્રકારની કોઈ ઘટના બની હોય અથવા આ પ્રકારે કોઈ બેંક હોવાની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે RBI ની ઓફિસિયલ વેબ સાઈટ પરથી ભારતમાં રજીસ્ટર તમામ બેંકોનું લીસ્ટ કાઢ્યુ હતુ. પરંતુ અમને CITY BANK OF MUMBAI નામની કોઈ બેંક આરબીઆઈ સાથે રજીસ્ટર હોવાની માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

ત્યારબાદ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે આરબીઆઈના મુંબઈના રિજનલ ડાયરેક્ટર બી કે મિશ્રાનો સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો હતો. તેમના પીએ જોડે વાત થતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ તદન ખોટી વાત છે. CITY BANK OF MUMBAI નામની કોઈ બેંક આરબીઆઈ સાથે જોડાયેલ જ નથી.”
આમ, ઉપરોક્ત પરિણામો પરથી એ તો સાબિત થઈ ગયુ હતુ કે, city bank of mumbai નામની કોઈ બેંક જ નથી. પરંતુ Citi bank ની મુંબઈમાં ઘણી બ્રાંચ આવેલી છે. સીટી બેંક એક ખાનગી બેંક છે. Citi bankની કોઈ બ્રાંચનું ઉઠમણું થયુ છે કે કેમ તે જાણવા અમે મુંબઈના બ્રાંદ્રામાં આવેલી સીટી બેંકની હેડ ઓફિસનો સંપર્ક સાધ્યો હતો. ત્યાંથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ ઘટના બનવા પામી નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, city bank of mumbai નામની કોઈ બેંક જ અસ્તિત્વમાં નથી. જો આ પ્રકારે કોઈ બેંક જ અસ્તિત્વમાં ન હોય તો તેનું ઉઠમણું થવાની વાત તદન ખોટી છે. લોકોને ભ્રામક કરવા માટે આ પોસ્ટ શેર કરવામાં આવી હોવાનું સાબિત થાય છે.

Title:શું ખરેખર ખરેખર સીટી બેંક ઓફ મુંબઈ નામની કોઈ બેંક છે અને તેનું ઉઠમણું થઈ ગયુ છે..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
