
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધોધમાર વરસી રહેલા વરસાદ જેવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો વાદળ ફાટ્યું તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુવાહાટી ખાતે પાણીની પાઈપ ફાટી તેનો છે. આ વીડિયોને વાદળ ફાટવાની ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 22 સપ્ટેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યું છે કે, જોવો મિત્રો વાદળું ફાટયું. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો વાદળ ફાટ્યું તેનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સાથેના સમાચાર આસામ ટ્રિબ્યુન ન્યૂઝની યુટ્યુબ ચેનલ દ્વારા 20 સપ્ટેમ્બર, 2025 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ વીડિયોમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ગુવાહાટીના રાજગઢ-ચાંદમારી લિંક રોડ પર રેલ્વે ક્રોસિંગ પર પાણીની પાઇપ ફાટવાને પરિણામે આ વિસ્તારમાં ભારે પાણી ભરાઈ ગયું હતું.
Embed –
અમારી વધુ તપાસમાં અમે મળેલી માહિતીનો ઉપયોગ કરીને વધુ શોધ કરતાં એક મીડિયા રિપોર્ટ મળ્યો. તેના અનુસાર, આ વીડિયોમાં ગુવાહાટીમાં અચાનક એક મોટી પાઇપ ફાટતી જોઈ શકાય છે.

વધુમાં અમને EastMojoના સત્તાવાર ફેસબુક પેજ પર વાયરલ વીડિયો જેવો જ એક વીડિયો મળ્યો. 20 સપ્ટેમ્બર, 2025 ના રોજની આ પોસ્ટ મુજબ, વીડિયોમાં ચાંદમારી ફ્લાયઓવર પાસે પાણીની પાઇપમાં થયેલા વિસ્ફોટનો આ વીડિયો હોવાની માહિતી જોવા મળે છે.
આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, તે એબીસી અને રાજગઢ સહિત નજીકના વિસ્તારોમાંથી જોઈ શકાતો હતો.
અમને વેબસાઇટ sentinelassam પર આ વીડિયો સંબંધિત એક સમાચાર મળ્યા. 21 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રકાશિત થયેલા આ સમાચાર અહેવાલમાં જણાવાયું છે કે, “ગુવાહાટીના ચાંદમારીમાં અચાનક સંકટ ઉભું થયું, જ્યારે એક મોટી પાણીની પાઇપ ફાટી ગઈ. જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
વધુ તપાસ દરમિયાન, અમને આસામના સ્થાનિક મીડિયા આઉટલેટ પ્રતિદિન ટાઈમ દ્વારા 20 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત એક અહેવાલ મળ્યો, જેમાં વાયરલ વીડિયોનું એક દૃશ્ય જોવા મળ્યું હતું. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ચાંદમારીમાં એક મોટી પાણીની પાઇપ અચાનક ફાટી ગઈ હતી, જેના કારણે પાણી લગભગ 70-80 ફૂટ સુધી વહેતું હતું અને ત્રણ-ચાર માળની ઇમારતોની છત સુધી પહોંચી ગયું હતું.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુવાહાટી ખાતે પાણીની પાઈપ ફાટી તેનો છે. આ વીડિયોને વાદળ ફાટવાની ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો વાદળ ફાટ્યું હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
