
દેવ વસાવા નામના ફેસબુક યુઝર દ્વારા અપના અડ્ડા નામના પેજ પર 3 એપ્રિલના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં જે બસો ચાલતી હતી તે મોદી સરકારના શાસન દરમ્યાન બંદ કરી દેવામાં આવી હતી! (જેમને પણ પોતાના વિસ્તારમાં આ બાબતની જાણકારી હોય તે કૉમેન્ટમાં માહિતી આપો)! વસ્તી વધવાની સાથે વધુ નવી બસો શરૂ કરવાના બદલે જૂના રૂટ પણ બંદ કરી દેવામાં આવ્યાછે. ગામડાની જનતા પ્રાયવેટ વાહનોમાં ટીંગાટોળી કરીને મુસાફરી કરવા માટે મજબૂર છે! શું આ જ ગુજરાત મોડેલ છે? જનપ્રતિનિધિઓ નું કામ શું છે? શીર્ષક હેઠળ મૂકવામાં આવેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગુજરાતના આંતરિયાળ ગામોમાં બસ સેવાઓ મોદી સરકારના શાસનમાં બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે ગામની જનતા ખાનગી વાહનોમાં ટીંગાટોળી કરી મુસાફરી કરવા મજબૂર બની છે. આ પોસ્ટ પર 203 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા, 65 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા અને 57 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

ઉપોરક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખરેખર સાચો છે કે કેમ તેની પડતાલ/તપાસ કરવી જરૂરી જણાતા સૌપ્રથમ અમે યાન્ડેક્સ બ્રાઉઝરની મદદથી રિવર્સ ઈમેજ સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

1 ARCHIVE , 2 ARCHIVED, 3 ARCHIVE
ઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલી ફોટો પૈકી એકપણ ફોટો ગુજરાતની નથી. પોસ્ટમાં કરવામાં આવેલો દાવો કે ગુજરાતમાં આંતરિયાળ વિસ્તારમાં લોકોને ખાનગી વાહનની મુસાફરી કરવી પડે છે, તે ખોટો સાબિત થાય છે.
જો કે, આ અંગે વધુ તપાસ કરવી જરૂરી જણાતા અમે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. ત્યાંથી અમને જાણવા મળ્યું હતું કે ગુજરાતના સૌથી આંતરિયાળ ગામડામાં પણ GSRTCની બસ જાય છે.


જો કે, ઉપરોક્ત પડતાલ બાદ પણ અમે કોઈ જવાબદાર વ્યક્તિ સાથે વાત કરી અને આ અંગે સત્ય જાણવું જરૂરી હોવાથી અમવાવાદ GSRTCના વિભાગીય નિયામક એન.બી.સિસોદીયા જોડે વાત કરતા તેમણે અમને જણાવ્યું હતું કે, “પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સદંતર ખોટો છે. GSRTC દ્વારા હંમેશા બસ સેવામાં વધારો જ કરવામાં આવ્યો છે, કોઈ દિવસ બસ સેવા ઘટાડવામાં આવી નથી. ગુજરાતના તમામ આંતરિયાળ ગામોમાં બસ જાય છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલ તસ્વીર પૈકી એક પણ તસ્વીર ગુજરાતની નથી, તમામ તસ્વીર ગુજરાત બહારની હોવાનું અમારી પડતાલમાં સાબિત થયું છે. તેમજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસો તમામ આંતરિયાળ ગામોમાં જાય છે અને લોકો આ બસ સેવાનો લાભ લઈ રહ્યા છે.

Title:ગુજરાતના ગામડામાં આજે પણ મુસાફરી કરવી મુશ્કેલ છે..? જાણો શું છે સત્ય……
Fact Check By: Frany KariaResult: False
