
ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધીયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે ચાલી રહેલી ચૂંટણીમાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધીયાએ જનતાને પંજાનું બટન દબાવીને કોંગ્રેસને વોટ આપવાનું કહ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે ચાલી રહેલી ચૂંટણીનો નહીં પરંતુ વર્ષ 2020 માં મધ્યપ્રદેશ ખાતે યોજાયેલી પેટા ચૂંટણી સમયનો છે. આ વીડિયોને ઉત્તરપ્રદેશની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Ramnik Jani નામના ફેસબુક યુઝર દ્વારા 20 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અલ્યા સિંધિયા ભૂલી ગયા કે પોતે તો ક્યારના પક્ષ પલટો કરી ચૂક્યા છે. જુઓ કેવી વાત કરી નાખી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે ચાલી રહેલી ચૂંટણીમાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધીયાએ જનતાને પંજાનું બટન દબાવીને કોંગ્રેસને વોટ આપવાનું કહ્યું.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો NYOOOZ TV દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 01 નવેમ્બર, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ડાબરા ખાતે ભાજપના ઉમેદવાર ઈમરતી દેવી માટે વોટ માંગી રહ્યા હતા. ત્યારે તેઓ ભૂલથી ભાજપને બદલે પંજાનું બટન દબાવીને કોંગ્રેસને વોટ આપવાનું બોલી ગયા પરંતુ તેમણે તરત જ પોતાની ભૂલ સુધારી અને કહ્યું કે, કમળનું બટન દબાવીને ભાજપને મત આપજો.”
વધુમાં આપને એ પણ જણાવી દઈએ કે, 3 નવેમ્બર, 2020 ના રોજ મધ્યપ્રદેશમાં 28 વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Amar Ujala | News Tak | ABP NEWS HINDI
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે ચાલી રહેલી ચૂંટણીનો નહીં પરંતુ વર્ષ 2020 માં મધ્યપ્રદેશ ખાતે યોજાયેલી પેટા ચૂંટણી સમયનો છે. આ વીડિયોને ઉત્તરપ્રદેશની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Title:શું ખરેખર તાજેતરમાં ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધીયાએ જનતાને પંજાનું બટન દબાવીને કોંગ્રેસને વોટ આપવાનું કહ્યું…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Partly False
