
પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂર્ણ થયા બાદ પશ્ચિમ બંગાળમાં હિંસાઓના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકો પલાયન કરતા હોવાની પણ વાતો સામે આવી રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ અફવાઓએ જોર પકડ્યુ છે. તે વચ્ચે સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે, “ટીએમસીના કાર્યકરો દ્વારા બે ભાજપાના કાર્યકરોની હત્યા કરવામાં આવી તેનો ફોટો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને યુવકોઓએ આત્મહત્યા કરી હતી. આ હત્યા હોવાની વાત તદ્દન ખોટી છે. તેમજ આ બંનેની આત્મહત્યાને કોઈ રાજકીય સંપર્ક નથી. ટીએમસી દ્વારા બંનેની હત્યા કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Piyushsinh Rajput નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ટીએમસીના કાર્યકરો દ્વારા બે ભાજપાના કાર્યકરોની હત્યા કરવામાં આવી તેનો ફોટો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પોસ્ટ પરથી અમને કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યારબાદ ફેક્ટક્રેસન્ડોની બાંગ્લા ટીમ દ્વારા માલદા સાયબર ક્રાઇમ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ દાવો ખોટો હોવાનું તેમણે જણાવ્યુ હતુ. આ આત્મહત્યાનો મામલો છે, આ ઘટનામાં કોઈ રાજકીય હત્યા નથી. પોલીસના જણાવ્યા અનુસાર, માલદા સાયબર ક્રાઇમના ઓફિશિયલ ફેસબુક પેજ પરથી પોસ્ટ કરીને આ દાવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.
ત્યારબાદ અમને સાયબર ક્રાઈમની પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ચૂંટણી પછીના આતંકના સંબંધમાં આ પોસ્ટ વિવિધ દાવાઓ સાથે સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે જે સંપૂર્ણ રીતે ખોટો છે. મોથાબારીના રહેવાસી, બંને મૃતકના પરિવારજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક મહિનાથી બંને એક ઓનલાઈન ગેમના વ્યસની બની ગયા હતા. પછી તેઓએ આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો હતો. આ બંનેના વાલીઓ આ બાબતે નિંદા કરે છે અને ચેતવણી આપી છે. આ ઘટના સાથે કોઈ રાજકીય પક્ષ કે કોઈ સાંપ્રદાયિક પક્ષની સંડોવણી નથી. જો કોઈ આવી પોસ્ટ્સ શેર કરતા જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”
ત્યારબાદ અમે મોથાબારી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસ દ્વારા અમને જણાવવામાં આવ્યું હતુ કે, “સોશિયલ મિડિયા પરનો દાવો સંપૂર્ણપણે ખોટો છે. બંને મૃતક છોકરાઓના મિત્રનો સંપર્ક કરીને હું કહી શકું છું કે બંને યુવકો ગત બપોરે એક દુકાનમાંથી દોરડા ખરિદીને લઈ આવ્યા હતા. પોલીસે દુકાનદાર સાથે વાત કરી. તેણે સ્પષ્ટ કર્યું કે હા, બંનેએ ગત બપોરે દોરડા ખરિદ્યા હતા. બંનેના મૃતદેહને શબ પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ મેળવવા માટે એક દિવસનો સમય લાગશે પરંતુ ડોક્ટરે ફોન કરીને જાણ કરી કે તે આપઘાતનો મામલો છે. તે ખૂન નથી અને કોઈ રાજકીય પક્ષને તેની સાથે કોઈ લેવા-દેવા નથી. આત્મહત્યાના કેસમાં રાજકીય રંગનો ઉપયોગ કરીને તમામ ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને યુવકોઓએ આત્મહત્યા કરી હતી. આ હત્યા હોવાની વાત તદ્દન ખોટી છે. તેમજ આ બંનેની આત્મહત્યાને કોઈ રાજકીય સંપર્ક નથી. ટીએમસી દ્વારા બંનેની હત્યા કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર બંગાળમાં ટીએમસી કાર્યકરો દ્વારા બીજેપીના કાર્યકરોની હત્યા કરવામાં આવી તેના ફોટો છે…?
Fact Check By: Yogesh KariaResult: False
