યોગાચાર્ય બી.કે.એસ. આયંગરનો યોગ કરતો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાળપણમાં યોગ કરવામાં આવ્યા તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નહીં પરંતુ યોગાચાર્ય બી.કે.એસ. આયંગરનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Alpesh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 24 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જુઓ મિત્રો ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું આ યોગી રૂપ ક્યારેય જોયું નહીં હોય. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાળપણમાં યોગ કરવામાં આવ્યા તેનો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને MCPetruk દ્વારા યુટ્યુબ પર 12 મે, 2006 ના રોજ અપલોડ કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો યોગાચાર્ય બી.કે.એસ. આયંગરનો છે. 1938 માં આયંગરના પ્રદર્શનની એક મૂક ફિલ્મ બનાવવામાં આવી હતી. આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોઈ જ સંબંધ નથી.

Archive

વધુમાં અમને એ જાણવા મળ્યું હતું કે, બેલુર કૃષ્ણમચર સુંદરરાજ (બીકેએસ) આયંગરનો જન્મ 14 ડિસેમ્બર 1918 ના રોજ કર્ણાટકના બેલુરમાં થયો હતો. તેમણે વિશ્વવ્યાપી યોગના પ્રચાર અને પ્રસાર માટે કામ કર્યું. 1975 માં તેમણે તેમની પત્ની રામમણિ આયંગરની યાદમાં યોગ સોસાયટીની સ્થાપના કરી હતી.

યોગના પ્રચાર અને શિક્ષણ બદલ ભારત સરકાર દ્વારા તેમને પદ્મ શ્રી (1991), પદ્મ ભૂષણ (2002) અને પદ્મવિભૂષણ (2014) થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટાઇમ્સ મેગેઝિન દ્વારા આયંગરને વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાંના એક તરીકે ઓળખવામાં આવ્યા છે. 2014 માં તેમનું અવસાન થયું હતું. (લોકસત્તા)

અમારી વધુ તપાસમાં અમને આયંગરની 1938 ની મૂક ફિલ્મનો 45 મિનિટનો વીડિયો યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો.

Archive

ગુગલ પર વધુ સર્ચ કરતાં અમને લંડન સ્થિત આયંગર સંસ્થાની વેબસાઈટ પર બી.કે.એસ. આયંગરના યોગની એક કલાકની મૂક ફિલ્મની DVD વેચાણ અર્થે મૂકવામાં આવી હતી. આ ફિલ્મ 1938 માં શૂટ કરવામાં આવી હતી. DVD પરનો કવર ફોટો તમે નીચે જોઈ શકો છો.

image2.jpg

 પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નહીં પરંતુ યોગાચાર્ય બી.કે.એસ. આયંગરનો છે.

Avatar

Title:યોગાચાર્ય બી.કે.એસ. આયંગરનો યોગ કરતો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False