
સોશિયલ મીડિયા પર બે ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં એક તસવીરમાં સફેદ રંગની કારની પાછળ કેટલાક પોલીસકર્મીઓને ઉભેલા જોઈ શકાય છે. જ્યારે બીજી તસવીરમાં નોટોથી ભરેલા કાર્ટુનોને જોઈ શકાય છે. આ ફોટોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપના ધારાસભ્ય સુધીર ગાડગીલની કારમાંથી 20,000 કરોડ રૂપિયાની નવી કરન્સી ઝડપાઈ છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 21 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપના ધારાસભ્ય સુધીર ગાડગીલની કારમાંથી 20,000 કરોડ રૂપિયાની નવી કરન્સી ઝડપાઈ છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ABP Majha દ્વારા 15 નવેમ્બર 2016ના પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે આ જ તસ્વીર શેર કરવામાં આવી હતી અને માહિતી આપવામાં આવી હતી કે, “ઉસ્માનાબાદના તુલજાપુરથી 6 કરોડ રૂપિયા રોકડા ઝડપાવા મામલે એક નવો ખુલાસો થયો છે. ભાજપના ધારાસભ્ય સુધીર ગાડગીલે સ્પષ્ટતા કરી છે કે આ પૈસા મારા ભાઈ ગણેશ ગાડગીલના નથી, પરંતુ બેંકના છે. ગણેશ ગાડગીલ સાંગલી અર્બન બેંકના ચેરમેન છે. આ રકમ સાંગલી અર્બન બેંકના નામે લઈ જવામાં આવી રહી હતી. ચૂંટણી અધિકારીએ જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખીને જણાવ્યું છે કે 6 કરોડની રકમ લઈ જતી વખતે વાહનની સાથે કોઈ જવાબદાર બેંક અધિકારી કે સિક્યોરિટી ગાર્ડ ન હતા, જેથી સમગ્ર રકમ જિલ્લા તિજોરીમાં જમા કરાવી દેવામાં આવી છે.”

જ્યારે બીજી તસ્વીરને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ટાઇમ્સ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર 17 નવેમ્બર, 2017ના રોજ પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ તસવીર સાથે માહિતી આપવામાં આવી હતી કે, “નવેમ્બર 2017માં આવકવેરા વિભાગે નેશનલ સ્ટોક એક્સચેન્જના બ્રોકર સંજય ગુપ્તાના દિલ્હી ખાતે આવેલા નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતા. આ દરમિયાન આવકવેરા વિભાગે 11 કરોડ રોકડની રિકવરી કરી હતી. વાયરલ તસવીર તે દરમિયાન લેવામાં આવી હતી.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી બંને ફોટો જૂની અને અલગ-અલગ ઘટનાની છે. તેને હાલની લોકસભાની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી. હાલમાં ખોટા દાવા સાથે તેને વાયરલ કરવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Election 2024: ભાજપાના ધારાસભ્યની કાર માંથી 20 હજાર કરોડ મળી આવ્યા…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
