
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મોટા પડદા પર બાબરી મસ્જિદની ડોક્યુમેન્ટ્રી જોઈ રહેલા કેટલાક મુસ્લિમ સમાજના લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાંગ્લાદેશમાં લોકો જાહેરમાં પડદા પર બાબરી મસ્જિદ ધ્વંસનો વીડિયો જોઈ રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એક મોટા પડદા પર બાબરી મસ્જિદની ડોક્યુમેન્ટ્રી જોઈ રહેલા કેટલાક મુસ્લિમ સમાજના લોકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ બાંગ્લાદેશનો નહીં પરંતુ મહારાષ્ટ્રનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
એક ફેસબુક યુઝર દ્વારા 12 ડિસેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશમાં બાબરી મસ્જિદના ધ્વંસ ના વીડિયો લોકો જોવે એ માટે મોટી સ્ક્રીન લગાવવામાં આવી રહી છે. મુસ્લિમ સમુદાયને હિંદુઓ તરફ ઉશ્કેરવો અને ભયંકર રક્તપાત કરાવવો. ભારત માં કેરલા ફાઈલ ,કાશ્મીર ફાઇલ જેવી ફિલ્મ નો વિરોધ ની શરૂઆત હિન્દુ જ કરે છે.. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાંગ્લાદેશમાં લોકો જાહેરમાં પડદા પર બાબરી મસ્જિદ ધ્વંસનો વીડિયો જોઈ રહ્યા છે તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો SDPI Kalwa Mumbra નામના એક યુટ્યુબ યુઝર દ્વારા 6 ડિસેમ્બર, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવું લખવામાં આવ્યું હતું કે, ચાર મિનિટના આ વીડિયોમાં વોઈસઓવર કરનાર વ્યક્તિ બાબરી ધ્વંસ, સુપ્રીમ કોર્ટના નિર્ણય અને રામ મંદિરના નિર્માણ વિશે વાત કરી રહ્યો છે. અંતે તે એવું કહી રહ્યો છે કે, “અમે બાબરી મસ્જિદને ક્યારેય ભૂલીશું નહીં.”
અમારી વધુ તપાસમાં અમને SDPI ના Instagram પૃષ્ઠ પર આજ ઇવેન્ટના અન્ય વીડિયો પણ મળ્યા. 6 ડિસેમ્બર, 2024ના રોજ પ્રકાશિત થયેલા આ વીડિયોમાં તે મુંબ્રાનો હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે, મુંબ્રા મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલું છે.
આગળ અમે SDPI વિશે જાણવા માટે વિવિધ કીવર્ડ્સનો ઉપયોગ કર્યો. તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે, SDPI (સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા) એક રાજકીય પક્ષ છે. જે ભારતના વિવિધ રાજ્યોમાં યોજાતી ચૂંટણીમાં ભાગ લે છે. જેની હેડ ઓફિસ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં છે.
વીડિયોને ધ્યાનથી જોયા પછી, અમે ઘણી જગ્યાએ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયાનો ધ્વજ પણ જોયો.
વધુ તપાસમાં, અમને ગુગલ મેપ્સમાં મુંબ્રાની દારુલ ફલેહ મસ્જિદ મળી. આ પછી, અમે મસ્જિદના સ્થાનની સરખામણી કરી જે અમને SDPIના એકાઉન્ટ પર મળેલી મસ્જિદ સાથે અપલોડ કરેલા વીડિયોમાં પ્રદર્શનની પાછળ જોવા મળે છે.
આ સિવાય, અમને sdpi_mumbra ના પેજ પર એક અન્ય વીડિયો મળ્યો, જેમાં લોકોને બાબરી મસ્જિદ પ્રદર્શનમાં ભાગ લેવાની અપીલ કરવામાં આવી છે.
વીડિયોની સાથે અહીં લખ્યું છે કે, “SDPI મુંબ્રા કાલવાના જેંરે એહતિમામે એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું છે જે બાબરી મસ્જિદની સમયરેખાને વિગતવાર સમજાવે છે. 6 ડિસેમ્બર, શુક્રવારના રોજ દારૂલ ફલાહ મસ્જિદની બહાર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.”
વધુ સ્પષ્ટતા માટે અમે SDPI ના ઈન્સ્ટાગ્રામ પેજ પર આપેલા નંબર પર સંપર્ક કરતાં SDPI સભ્ય અઝહર તંબોલીએ અમને સ્પષ્ટતા કરી કે, બાબરી મસ્જિદ ધ્વંસના 32 વર્ષ પૂરા થવા પર 6 ડિસેમ્બરે મહારાષ્ટ્રના થાણેના મુંબ્રા વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એક મોટા પડદા પર બાબરી મસ્જિદની ડોક્યુમેન્ટ્રી જોઈ રહેલા કેટલાક મુસ્લિમ સમાજના લોકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ બાંગ્લાદેશનો નહીં પરંતુ મહારાષ્ટ્રનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો બાંગ્લાદેશમાં બાબરી મસ્જિદ પર ડોક્યુમેન્ટ્રી જોઈ રહેલા લોકોના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: False
