
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પહાડ પરથી થઈ રહેલા ભૂસ્ખલનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અંબાજીના ત્રિશૂળીયા ઘાટ ખાતે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પહાડ પરથી થઈ રહેલા ભૂસ્ખલનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અરુણાચલપ્રદેશના તવાંગ-દિરાંગ હાઈવે ખાતે સર્જાયેલી પરિસ્થિતિનો છે. આ વીડિયોને ગુજરાતના અંબાજી સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 27 ઓગસ્ટ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યું છે કે, અંબાજી ત્રિશુળીયા ઘાટ પર નો પહાડ તૂટ્યો જોવો વીડિયો. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અંબાજીના ત્રિશૂળીયા ઘાટ ખાતે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોને ધ્યનાથી જોતાં અને સાંભળતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં લોકો ગુજરાતી નહીં પરંતુ કોઈ અળગ જ ભાષા બોલી રહ્યા છે. આ ઉપરાંત વીડિયોમાં દેખાઈ રહેલી ગાડીઓ પરની નંબર પ્લેટ પર પણ AS થી લખાણ ચાલુ થાય છે. જે આસામ પાર્સિંગની ગાડીઓ હોય છે. જે તમે નીચે જોઈ શકો છો.


ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર રિપબ્લિક વર્લ્ડ દ્વારા 26 ઓગસ્ટ, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અણાચલપ્રદેશમાં દિરાંગ-તવાંગ રોડ પર ભારે ભૂસ્ખલન થતાં વાહનવ્યવહાર ઠપ્પ થયો હતો. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અંબાજીનો નહીં પરંતુ અરુણાચલપ્રદેશનો છે.
આ જ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. NewsX Live | Siliguri Times
ઉપરોક્ચ આ જ વીડિયો અને માહિતી સાથેના સમાચાર એનડીટીવી અને ફ્રી પ્રેસ જનરલ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

અમારી વધુ તપાસમાં અમને ટીવી9 ગુજરાતી તેમજ ઝી ન્યૂઝના અહેવાલમાં એ જાણવા મળ્યું હતું કે, અંબાજીના નામે આ વીડિયો વાયરલ થતાં હાલમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં જનારા યાત્રિકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. જેને કારણે અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદીએ આ વીડિયો અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, આ વીડિયો અંબાજીના ત્રિશૂળીયા ઘાટનો નથી તો યાત્રિકોએ કોઈ ચિંતા કરવાની જરુર નથી તેમજ તેઓએ આ વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ કરનારા અસામાજીક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું હતું. વધુમાં તેઓએ એ પણ જણાવ્યું હતું કે, ત્રિશૂળીયા ઘાટ પર અંબાજી ભાદરવી પૂનમના દર્શને આવતા યાત્રિકો માટે સુરક્ષાના ભાગરુપે ગ્રીન નેટ ઉભી કરવામાં આવી છે.
https://www.instagram.com/reel/DN-z51YCdZL/?utm_source=ig_web_copy_link
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પહાડ પરથી થઈ રહેલા ભૂસ્ખલનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અરુણાચલપ્રદેશના તવાંગ-દિરાંગ હાઈવે ખાતે સર્જાયેલી પરિસ્થિતિનો છે. આ વીડિયોને ગુજરાતના અંબાજી સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો તાજેતરમાં અંબાજીના ત્રિશૂળીયા ઘાટ ખાતે પહાડ તૂટ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
