
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સિમેન્ટના પિલ્લરમાં એક માણસનું ધડ દેખાઈ રહ્યું હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મેરઠમાં બનેલા ડ્રમ હત્યાકાંડના વીડિયોની જેમ ફરી એકવાર મહિલા દ્વારા પુરુષની પિલ્લરમાં ચણીને હિંસક હત્યા કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, સિમેન્ટના પિલ્લરમાં એક માણસનું ધડ દેખાઈ રહ્યું હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હરિયાણાના હિસાર ખાતે એક મૂર્તિ હટાવવાના વિવાદનો છે. આ ઘટનાને હિંસક હત્યા સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 16 સપ્ટેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ડ્રમ પછી પિલરમાં. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, , મેરઠમાં બનેલા ડ્રમ હત્યાકાંડના વીડિયોની જેમ ફરી એકવાર મહિલા દ્વારા પુરુષની પિલ્લરમાં ચણીને હિંસક હત્યા કરવામાં આવી તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો ‘સિટી બિગ ન્યૂઝ’ નામની યુટ્યુબ ચેનલ પર મળ્યો હતો. 10 સપ્ટેમ્બરના રોજ અપલોડ કરાયેલો આ વીડિયો હિસારનો હોવાનું કહેવાય છે. જ્યાં એક વૃદ્ધ વ્યક્તિના પરિવારે તેમને સ્વતંત્રતા સેનાની ગણાવીને તેમની પ્રતિમા સ્થાપિત કરી હતી, પરંતુ બાદમાં ગ્રામજનોએ વાંધો ઉઠાવ્યો અને તેને હટાવી દીધી.

અમારી વધુ તપાસમાં અમને આ જ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં, અહીં અને અહીં જોઈ શકો છો.
અહેવાલો અનુસાર, આ ઘટના હિસારના આર્ય નગર ગામમાં બની હતી. 15 ઓગસ્ટના રોજ આર્ય નગર ગામમાં સ્વતંત્રતા સેનાની કુંભા રામની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પરંતુ લગભગ એક મહિના પછી પીડબ્લ્યુડી વિભાગના લોકો ત્યાં પહોંચ્યા અને પ્રતિમાને ગેરકાયદેસર ગણાવીને તેને દૂર કરવામાં આવી.
રિપોર્ટમાં, કુંભા રામના પૌત્ર ભજનલાલ કહે છે કે, તેમણે પ્રતિમા સ્થાપિત કરવા માટે તમામ જરૂરી સરકારી પ્રક્રિયાઓનું પાલન કર્યું હતું પરંતુ તેમને એનઓસી મળ્યું ન હતું. પરંતુ તેમને NOC મળ્યું ન હતું. જોકે તેમને ખાતરી આપવામાં આવી હતી કે NOC ટૂંક સમયમાં મંજૂર કરવામાં આવશે, પરંતુ કોઈપણ સૂચના વિના પ્રતિમા દૂર કરવામાં આવી હતી.

અમે ગુગલ મેપ્સ પર વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલું સ્થાન શોધ્યું. ગુગલ મેપ્સ પર વાયરલ વીડિયોમાં દેખાતું “સૈની સ્વીટ્સ શોપ” પણ અમને મળ્યું. સ્થાનનો સ્ટ્રીટ વ્યૂ જોઈ શકાય છે. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે, આ વીડિયો હરિયાણાનો છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, સિમેન્ટના પિલ્લરમાં એક માણસનું ધડ દેખાઈ રહ્યું હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હરિયાણાના હિસાર ખાતે એક મૂર્તિ હટાવવાના વિવાદનો છે. આ ઘટનાને હિંસક હત્યા સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title: જાણો મેરઠમાં બનેલા ડ્રમ હત્યાકાંડના વીડિયોની જેમ હિંસક હત્યાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
