એક વૃદ્ધ મુસાફર પાસેથી બળજબરીથી પૈસા પડાવી લેતો રેલ્વે કર્મચારીનો આ વીડિયો 2019નો છે. આનો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ સાથે કોઈ સંબંધ નથી.

મહાકુંભમાં સ્નાન અને ધાર્મિક વિધિઓ માટે વારાણસી પહોંચેલા લાખો ભક્તો હવે પ્રયાગરાજ જવા માટે રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે. વારાણસી કેન્ટ રેલ્વે સ્ટેશન પર દેશના વિવિધ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ એકઠા થયા છે, જેના કારણે ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.
આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર થઈ રહ્યો છે, જેમાં એક ટીટીઈ એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી પૈસા લઈ રહ્યો છે. વીડિયોમાં તે વૃદ્ધના હાથમાંથી પૈસા છીનવી લેતો જોવા મળે છે. વૃદ્ધ માણસ હાથ જોડીને પોતાના પૈસા પાછા માંગી રહ્યો છે. ટીટીઈ કેટલાક પૈસા રાખે છે અને બાકીના પાછા આપે છે.
આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એક ટીટીઈ ટ્રેન દ્વારા મહાકુંભમાં જઈ રહેલા ગરીબ મુસાફર પાસેથી પૈસા પડાવી લે છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 31 જાન્યુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “એક ટીટીઈ ટ્રેન દ્વારા મહાકુંભમાં જઈ રહેલા ગરીબ મુસાફર પાસેથી પૈસા પડાવી લે છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસની શરૂઆતમાં, અમે વાયરલ વીડિયોમાંથી કેટલીક તસવીરોની રિવર્સ ઇમેજ સર્ચ કરી. પરિણામે, અમને અમર ઉજાલામાં પ્રકાશિત થયેલા વાયરલ વીડિયોના સમાચાર મળ્યા. આ સમાચારમાં વાયરલ વીડિયોનો સ્ક્રીનશોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સમાચાર જુલાઈ 2019ના છે. એક વાત સ્પષ્ટ છે કે આ વીડિયો મહાકુંભમાં જતા કોઈ યાત્રાળુનો નથી પણ 2019 થી ઇન્ટરનેટ પર હાજર છે.
પ્રકાશિત સમાચાર અનુસાર, મુસાફર પાસેથી પૈસા પડાવનાર રેલવે કર્મચારીનું નામ વિનય સિંહ છે. તેમને ચંદૌલી જિલ્લાના પૂર્વ મધ્ય રેલ્વે મુગલસરાય વિભાગમાં TTE તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. 2019માં આ વીડિયો વાયરલ થયા બાદ, મુગલસરાય રેલ્વે ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર પંકજ સક્સેનાએ ટીટીઈને સસ્પેન્ડ કરી દીધા હતા.
આ ઉપરાંત, આ સમાચાર અહીં અને અહીં જોઈ શકાય છે.
વધુ તપાસ કર્યા પછી, અમને 23 જુલાઈ 2019 ના રોજ એક X પોસ્ટમાં શેર કરાયેલ વાયરલ વીડિયો મળ્યો. પોસ્ટમાં લખ્યું છે કે ટ્રેનમાં TTE એક વૃદ્ધ ખેડૂત પાસેથી લાંચ લઈ રહ્યો હતો.
આના જવાબમાં, પંડિત દીન દયાળ ઉપાધ્યાય રેલ્વે ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે લખ્યું, વીડિયો ક્લિપ અંગે સંબંધિત કર્મચારી પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી હતી. આ ઘટના 3-4 મહિના પહેલા બની હતી. કર્મચારીએ કહ્યું કે તે મુસાફર પાસેથી ટિકિટ બનાવવાના પૈસા લઈ રહ્યો હતો અને તેણે ટિકિટ બનાવી દીધી હતી. સંબંધિત કર્મચારીને વિગતવાર તપાસ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. નીચે આપેલ ટ્વીટ જુઓ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, એક વૃદ્ધ મુસાફર પાસેથી બળજબરીથી પૈસા પડાવી લેતો રેલ્વે કર્મચારીનો આ વીડિયો 2019નો છે. આનો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ સાથે કોઈ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:મહાકુંભમાં જતા વૃદ્ધ ભક્ત પાસેથી ટીટીએ પૈસા છીનવ્યા ન હતા, વીડિયો જૂનો છે….
Fact Check By: Frany KariaResult: False
