
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક બાળકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં આ બાળક ગુજરાતના કુંજાહ પાસેથી મળી આવ્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાળકનો જે ફોટો અને માહિતી આપવામાં આવી છે એ ભારતના ગુજરાતની નહીં પરંતુ પાકિસ્તાનના ગુજરાત જિલ્લાના કુંજાહના કોટ અલ્લાહ બક્ષ ગામે બનેલી ઘટનાનો છે.આ ફોટોને હાલની પરિસ્થિતિ કે ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 16 સપ્ટેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ છોકરો ગુજરાત ના કુંજાહ પાસે કોટ લાહ બક્ષ ગામ પાસે થી મળી આવ્યું છે. આ છોકરાને કોઈ એ કિડનેપ કરી લીધો હતો. આ છોકરો બહુ ગભરાયેલો છે. આ છોકરો કોટ લાહ બક્ષ ગામ માં છે. મહેરબાની કરી આ ફોટા ને તમારા બધા ગ્રુપ માં શેર કરવા વિનંતી. જેથી આ છોકરો પોતાના પરિવાર પાસે જઈ શકે. આ ફાલતુ મેસેજ ના સમજતા મહેરબાની કરી બીજા ગ્રુપ માં પણ ફોરવર્ડ કરજો. જેથી છોકરો પોતાના પરિવાર પાસે સહી સલામત રીતે પહોંચી શકે..🙏🙏. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં આ બાળક ગુજરાતના કુંજાહ પાસેથી મળી આવ્યું તેનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલી આ પ્રકારની માહિતી અને ફોટો સાથેની ઘટના ગુજરાતમાં બની હોય એવી કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી.
ત્યાર બાદ અમે ફોટો સાથેની માહિતીને ગુગલ પર સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, કુંજાહ એ પાકિસ્તાનના ગુજરાત જિલ્લામાં આવેલું છે અને કોટ અલ્લાહ બક્ષ પણ પાકિસ્તાનના ગુજરાત જિલ્લામાં આવેલું છે.
https://share.google/iIIXou6bS6a30XHV9
ઉપરોક્ત આ જ ફોટો કેટલાક પાકિસ્તાની ફેસબુક યુઝર દ્વારા તે પાકિસ્તાનના ગુજરાતના કુંજાહ ખાતેના કોટ અલ્લાહ બક્ષની ઘટનાના નામે શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને આ જ ફોટો એક અફઘાનિસ્તાની પત્રકાર દ્વારા તેના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર 15 એપ્રિલ, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
ત્યાર બાદ અમે અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત પોલીસનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, આવી કોઈ જ ઘટના હાલમાં ગુજરાતમાં બની નથી અને આ ઘટનામાં જે માહિતી આપવામાં આવી છે એવું કોઈ સ્થળ પણ ગુજરાતમાં આવેલું નથી. તો લોકોએ અફવાઓ અને ખોટી કે અધૂરી માહિતી સોશિયલ મીડિયા પર ફોરવર્ડ કરતાં પહેલાં સાવચેત રહેવું જોઈએ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાળકનો જે ફોટો અને માહિતી આપવામાં આવી છે એ ભારતના ગુજરાતની નહીં પરંતુ પાકિસ્તાનના ગુજરાત જિલ્લાના કુંજાહના કોટ અલ્લાહ બક્ષ ગામે બનેલી ઘટનાનો છે.આ ફોટોને હાલની પરિસ્થિતિ કે ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો ગુજરાતમાં મળી આવેલા છોકરાના નામે વાયરલ થઈ રહેલા ફોટો સાથેના મેસેજનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Missing Context
