
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ બાઈક સવારોની રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનથી બજરંગ દળના કાર્યકર્તાઓ પશ્ચિમ બંગાળ પહોંચ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સંખ્યાબંધ બાઈક સવારોની રેલીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પશ્ચિમ બંગાળનો નહીં પરંતુ મહારાષ્ટ્રના સાંગલી ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને પશ્ચિમ બંગાળ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 16 એપ્રિલ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રાજસ્થાન બજરંગ દળ મોડી રાતે પ. બંગાળ પહોચ્યું 💪💪💪 જય શ્રી રામ. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનથી બજરંગ દળના કાર્યકર્તાઓ પશ્ચિમ બંગાળ પહોંચ્યા તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ વીડિયો સાથેની પોસ્ટ એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 17 ફેબ્રુઆરી, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો મહારાષ્ટ્રના સાંગલીનો છે. આ રેલી માયાક્કા (કર્ણાટક)થી સાંગલી (મહારાષ્ટ્ર) સુધી નીકળી હતી.
https://www.instagram.com/mr_akshay_yamgar_1102/reel/DGKiygrT6kN
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો સાથેના સમાચાર સામ ટીવી દ્વારા 19 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ વીડિયો મહારાષ્ટ્રના સાંગલીનો હોવાની માહિતી આપવામાં આવી હતી.
આજ વીડિયો અંગેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. belgavkar.com | saamtv.esakal.com
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયોમાં બનેલી ઘટના અંગે માહિતી આપતા સમાચાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પણ 19 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કર્ણાટકના માયક્કા દેવી મંદિરમાં આયોજિત મેળામાંથી પરત ફરી રહેલા બાઇક સવારો પર સાંગલી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ બાઇકર્સ મોડી રાત્રે જોરથી હોર્ન વગાડી રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સંખ્યાબંધ બાઈક સવારોની રેલીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પશ્ચિમ બંગાળનો નહીં પરંતુ મહારાષ્ટ્રના સાંગલી ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને પશ્ચિમ બંગાળ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો રાજસ્થાનથી બજરંગ દળના કાર્યકરો પશ્ચિમ બંગાળ પહોંચ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: Misleading
