
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુનામીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયામાં આવેલા ભૂકંપને લીધે આવેલ સુનામીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સુનામીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017માં ગ્રીનલેન્ડ ખાતે આવેલ સુનામીનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે…?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 30 જુલાઈ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જાપાન, રશિયા અને અલાસ્કામાં 8.7 ની તીવ્રતાના ભૂકંપ પછી, સુનામી જેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યાંની સરકારોએ દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવાની ચેતવણી આપી છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયામાં આવેલા ભૂકંપને લીધે રશિયા, જાપાન અને અલાસ્કામાં આવેલ સુનામીનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર Licet Studios નામની એક સત્તાવાર યુટ્યુબ ચેનલ દ્વારા 9 એપ્રિલ, 2021ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, 17 જૂન, 2017ના રોજ ગ્રીનલેન્ડ ખાતે સુનામી આવી તેનો આ વીડિયો છે.
આ જ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Newsflare | Youtube
અમારી વધુ તપાસમાં અમને વધુ એક મીડિયા અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેના અનુસાર, “2017માં ગ્રીનલેન્ડના નુગાટસિયાકના નાના માછીમારી ગામમાં સુનામી આવતા ત્રણ માછીમારો પોતાના જીવ બચાવવા ભાગ્યા હતા. તે લગભગ 20 માઇલ દૂર ફ્યોર્ડમાં ભૂસ્ખલનથી બન્યું હતું. સુનામીમાં 300 ફૂટ ઊંચા મોજા નોંધાયા હતા અને આ 30 ફૂટ ઊંચા મોજા શહેરમાં પહોંચ્યા હતા”.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સુનામીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017માં ગ્રીનલેન્ડ ખાતે આવેલ સુનામીનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો તાજેતરમાં રશિયામાં આવેલ સુનામીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
