7.45 કરોડનો આંકડો કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા દર્શાવે છે, ખરેખર મતદાન કરનારા લોકોની સંખ્યાનો નહીં. ખરેખર 5.01 કરોડ લોકોએ મતદાન કર્યુ હતુ.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજય બાદ, ચૂંટણી પરિણામો પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યા છે કે, “બિહાર ચૂંટણીમાં 7.42 કરોડ મતદારો રજીસ્ટર છે, પરંતુ તેની સામે 7.45 કરોડ લોકોએ મતદાન કર્યું.” આ આંકડાઓના આધારે, 300,000 જેટલા વધુ મતદાનના દાવા કરવામાં આવી રહ્યા છે જે ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કરે છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 15 નવેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બિહાર ચૂંટણીમાં 7.42 કરોડ મતદારો રજીસ્ટર છે, પરંતુ તેની સામે 7.45 કરોડ લોકોએ મતદાન કર્યું.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને ચૂંટણી પંચે 2025માં બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતદાર યાદીને અપડેટ અને સુધારણા કરવા માટે એક ખાસ SIR શરૂ કર્યું હતું. આ પ્રક્રિયા 24 જૂન, 2025ના રોજ શરૂ થઈ હતી અને 30 સપ્ટેમ્બર 2025 ના રોજ અંતિમ યાદીના પ્રકાશન સાથે સમાપ્ત થઈ હતી. પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ચૂંટણી પંચે અંતિમ મતદાર યાદી બહાર પાડી, જેમાં રાજ્યમાં કુલ 7.42 કરોડ નોંધાયેલા મતદારોની યાદી હતી.

તેમજ વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, ચૂંટણી પંચ દ્વારા 6 ઓક્ટોબરના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં બિહાર ચૂંટણીની જાહેરાત કરી હતી. ચૂંટણી તારીખો અંગેની પ્રેસનોટમાં બિહારમાં નોંધાયેલા મતદારોની સંખ્યા 7,43,55,976 હોવાનું જણાવાયું હતું.

તેમજ વધુ સર્ચ કરતા અમને ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી પ્રેસનોટ પ્રાપ્ત થઈ હતી. જેમાં 67.13% મતદાન થયું હોવાનું જણાવાયું છે. આ ટકાવારી 7.45 કરોડ નોંધાયેલા મતદારો પર લાગુ કરીએ તો, ખરેખર ફક્ત 5 કરોડ લોકોએ મતદાન કર્યું હતું.
ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ પક્ષવાર અને મત વિસ્તારવાર મતદાનના ડેટા દર્શાવે છે કે કુલ 5.01 કરોડ લોકોએ મતદાન કર્યુ હતું. સ્પષ્ટપણે, કુલ મતદારો કરતાં વધુ મતદાન થયું હોવાનો દાવો ખોટો છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, 7.45 કરોડનો આંકડો કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા દર્શાવે છે, ખરેખર મતદાન કરનારા લોકોની સંખ્યાનો નહીં. ખરેખર 5.01 કરોડ લોકોએ મતદાન કર્યુ હતુ.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:બિહાર ચૂંટણીમાં મતદારોની સંખ્યા કરતાં વધુ મતદાન થયું હોવાનો ભ્રામક દાવો વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading


