
ચૂંટણી દરમિયાન ખોટા દાવાઓ સાથે રાજકારણીઓના ઘણા ફોટા અને વીડિયો શેર કરવામાં આવતા હોય છે. આવા જ એક વીડિયોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દરવાજાની બહાર જોવા મળી રહ્યા છે.
આ વીડિયો શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જ્યારે પ્રિયંકા ગાંધી ઉમેદવારી નોંધાવી રહ્યા હતા તે સમયે મલ્લિકાર્જુન ખડગેને દરવાજાની બહાર રાખવામાં આવ્યા હતા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 23 ઓક્ટોબર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જ્યારે પ્રિયંકા ગાંધી ઉમેદવારી નોંધાવી રહ્યા હતા તે સમયે મલ્લિકાર્જુન ખડગેને દરવાજાની બહાર રાખવામાં આવ્યા હતા.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
કીવર્ડ સર્ચ કર્યા પછી જાણવા મળ્યું કે બીજેપી નેતા રાજીવ ચંદ્રશેખરે 23 ઓક્ટોબરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ જ વીડિયો શેર કર્યો હતો.
આ ટ્વિટના જવાબમાં કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પ્રિયંકા ગાંધીની ઉમેદવારી ભરતા સમયના કેટલાક ફોટા શેર કર્યા છે.
આ તસવીરોમાં પ્રિયંકા ગાંધી મલ્લિકાર્જુન ખડગે સાથે તેમની બાજુમાં બેઠેલા જોઈ શકાય છે.
વધુ તપાસ પર અમને ANIની યુટ્યુબ ચેનલ પર પ્રિયંકા ગાંધીના નોમિનેશન ફોર્મનો સંપૂર્ણ વીડિયો મળ્યો.
આ વીડિયોમાં પ્રિયંકા ગાંધી, તેમના પતિ રોબર્ટ વાડ્રા, પુત્ર રેહાન અને માતા સોનિયા ગાંધી કલેક્ટરની સામે બેઠેલા જોવા મળે છે.
આ પછી રોબર્ટ વાડ્રા, રેહાન બહાર જાય છે અને પ્રિયંકા ગાંધી સાથે મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને કે.સી. વેણુગોપાલ દેખાય છે.
જ્યારે અમે ઘટના અંગે વધુ માહિતી મેળવવા માટે રાહુલ ગાંધીની વાયનાડ ઓફિસનો સંપર્ક કર્યો ત્યારે રાહુલ ગાંધીના પી.એસ. ઓગસ્ટિને વાયરલ દાવાને નકારી કાઢતા કહ્યું, “પ્રથમ પ્રિયંકા ગાંધી તેમના પતિ રોબર્ટ વાડ્રા અને પુત્ર રેહાન સાથે તેમના ઉમેદવારી પત્રો ભરવા માટે કલેક્ટર કચેરીમાં પ્રવેશ્યા હતા. રાહુલ ગાંધી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધિરામૈયા અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી જેવા નેતાઓ હાજર રહ્યા હતા, કાયદા અનુસાર ઓફિસમાં માત્ર પાંચ લોકોને જ બેસવાની છૂટ છે. તો કેટલાય નેતાઓ થોડા સમય માટે ઓફિસની બહાર રહ્યા હતા. બાદમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અન્ય નેતાઓ પ્રિયંકા ગાંધીને તેમની ઓફિસમાં મળે છે.
ઉમેદવારોની હેન્ડબુક નિયમો
કેરળ ચૂંટણી પંચ ઉમેદવારોની હેન્ડબુકના નિયમ 3.12 મુજબ, ઉમેદવાર સહિત મહત્તમ 5 વ્યક્તિઓએ ઉમેદવારી પત્ર સબમિટ કરતી વખતે ચૂંટણી અધિકારીની સામે હાજર રહેવું જોઈએ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પ્રિયંકા ગાંધી જ્યારે ઉમેદવારી પત્ર ભરતા હતા ત્યારે મલ્લિકાર્જુન ખડગે કલેક્ટર ઓફિસમાં હાજર હતા દરવાજાની બહાર તેમને ઉભા રખાયા હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:પ્રિયંકા ગાંધીના વાયનાડ ફોર્મ ભરવા સમયે મલ્લિકાર્જુન ખડગેના વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
