
ડિસેમ્બર 2025 માં, ઈરાનમાં મોટા પાયે સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો શરૂ થયા. આ સમયગાળા દરમિયાન, લોકોએ સરકાર અને સુપ્રીમ લીડર ખામેની વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો, તેમને મોંઘવારી, બેરોજગારી અને ઘટતી અર્થવ્યવસ્થા માટે જવાબદાર ઠેરવ્યા. વિરોધ કરનારાઓમાં વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, યુવાનો અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થતો હતો, જેમણે રાજકીય સુધારા અને વર્તમાન રાજ્ય વ્યવસ્થામાં ફેરફારની માંગ કરી હતી. આ દરમિયાન, એક મહિલા સિગારેટ સળગાવીને ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના ફોટાને આગ લગાવતી હોવાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. મહિલા સળગતી તસવીરને જમીન પર ફેંકી દે છે અને મધ્યમ આંગળી બતાવે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આયાતુલ્લાહ અલી ખામેનીનો ફોટો સળગાવતી મહિલાનો આ વીડિયો ઈરાનનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 10 જાન્યુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આયાતુલ્લાહ અલી ખામેનીનો ફોટો સળગાવતી મહિલાનો આ વીડિયો ઈરાનનો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 11 જાન્યુઆરીના રોજ એક ટ્વિટર પર પોસ્ટ કરાયેલો આ વીડિયો મળ્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે, વાયરલ વીડિયો ઈરાનનો નથી પરંતુ કેનેડાનો છે.
તેમજ વધુ સર્ચ કરતા અમને 13 જાન્યુઆરી, 2026ના રોજ Estadao.com નામની વેબસાઇટ પર પોર્ટુગીઝ ભાષામાં પ્રકાશિત થયેલ એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, પોર્ટુગીઝ અખબાર લુસાએ અહેવાલ આપ્યો છે કે વાયરલ વીડિયો ઈરાનનો નથી, પરંતુ કેનેડાનો છે. 9 જાન્યુઆરી, 2026 ના રોજ, લુસાની વેબસાઇટ પર એક અહેવાલ પ્રકાશિત થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે “ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીના સળગતા ફોટામાંથી સિગારેટ સળગાવતી ઈરાની છોકરીનો વીડિયો ઈરાનમાં નહીં, પરંતુ કેનેડિયન શહેરના પાર્કિંગમાં શૂટ કરવામાં આવ્યો હતો.” અહેવાલ મુજબ, મહિલાનું નામ મેલિકા બારાહિમી છે, જે ઈરાની છે. જોકે, તે કેનેડામાં શરણાર્થી તરીકે રહે છે, અને તેણે ત્યાં જ વીડિયો શૂટ કર્યો હતો.

સમાચાર એજન્સી ધ ઓબ્જેક્ટિવના પત્રકાર જેવિયર રૂબિયો ડોન્ઝે સાથેની એક મુલાકાતમાં, 23 વર્ષીય મેલિકા બારાહિમીએ પોતાના સંઘર્ષ અને વાયરલ વીડિયોનું વર્ણન કર્યું. તેણીએ સમજાવ્યું કે તેણીને કિશોરાવસ્થાથી જ ધમકીઓનો સામનો કરવો પડ્યો છે અને 2019ના વિરોધ પ્રદર્શન દરમિયાન 17 વર્ષની ઉંમરે પહેલી વાર ધરપકડ કરવામાં આવી હતી.
અમારી તપાસ દરમિયાન, અમને મેલિકા બારાહિમીનું એક ટ્વિટર એકાઉન્ટ મળ્યું. વાયરલ વીડિયો આ એકાઉન્ટ પર 8 અને 9 જાન્યુઆરી, 2026ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ઈરાનનો નહીં પરંતુ કેનેડાનો છે. આ વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખામેનીના ફોટા પર આગ લગાવ્યા પછી સિગારેટ સળગાવતી મહિલાનો આ વીડિયો ઈરાનનો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult:False


