વાયરલ વીડિયોમાં બલુચિસ્તાનમાં 2022માં થયેલા ટ્રેન હુમલાનો છે, BLA આતંકવાદીઓ દ્વારા તાજેતરમાં કરાયેલી ટ્રેન હાઇજેકિંગનો નથી.

11 માર્ચે પાકિસ્તાનમાં અલગતાવાદી જૂથ બલુચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા પેશાવર જતી જાફર એક્સપ્રેસનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાલતી ટ્રેનમાં થયેલા વિસ્ફોટ થતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જાફર એક્સપ્રેસ પર BLA દ્વારા કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 12 માર્ચ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જાફર એક્સપ્રેસ પર BLA દ્વારા કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને 15 એપ્રિલ 2022ના રોજની એક પોસ્ટ મળી જેની સાથે હાલમાં વાયરલ થઈ રહેલો વીડિયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “BLAએ બલુચિસ્તાનના સિબ્બી નજીક ફ્રન્ટિયર કોર્પ્સને લઈ જતી ટ્રેન પર IED હુમલાનો ફૂટેજ જાહેર કર્યો છે.”
આ ક્લુના આધારે સર્ચ કરતા અમને જાન્યુઆરી 2022નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “18 જાન્યુઆરી 2022ના રોજ ઉત્તર પૂર્વીય બલુચિસ્તાન શહેર સિબીમાં એક ટ્રેન પર ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ અથવા IED હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રેનમાં પાકિસ્તાની સૈનિકોને લઈ જવામાં આવ્યા હોવાનો આરોપ છે. ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.”
તેમજ વધુ સર્ચ કરતા અમને વધુ એક મીડિયા અહેવાલ પ્રાપ્ત થયો હતો જે 18 જાન્યુઆરી 2022ના પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં હતી કે, વિસ્ફોટને કારણે જાફર એક્સપ્રેસના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને ઘણા પાકિસ્તાની સૈન્ય કર્મચારીઓ માર્યા ગયા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયોમાં બલુચિસ્તાનમાં 2022માં થયેલા ટ્રેન હુમલાનો છે, BLA આતંકવાદીઓ દ્વારા તાજેતરમાં કરાયેલી ટ્રેન હાઇજેકિંગનો નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હાઈજેક કરાયેલી ટ્રેનનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading
