જાણો રાહુલ ગાંધીએ ભાજપના નેતાને ધક્કો માર્યો હોવાની કબૂલાત કરતા વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પત્રકારો સાથે વાતચીત કરી રહેલા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ કબૂલાત કરી કે, તેમણે ભાજપના નેતાને ધક્કો માર્યો અને ધક્કામુક્કીથી અમને કંઈ થતું નથી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પત્રકારો સાથે વાતચીત કરી રહેલા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો વીડિયો છે વાસ્તવમાં તેઓ ભાજપના સાંસદો પર તેમના અને મલ્લિકાર્જુન ખડગે સાથે ધક્કામુક્કી કરવાનો આરોપ લગાવી રહ્યા છે. આ વીડિયોને લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી અને અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 19 ડિસેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, વરિષ્ઠ નેતાઓને ધક્કે ચડાવવા, મહિલા નેતાઓ સાથે અભદ્ર વર્તન આ જ છે કોંગ્રેસની હકીકત. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ કબૂલાત કરી કે, તેમણે ભાજપના નેતાને ધક્કો માર્યો અને ધક્કામુક્કીથી અમને કંઈ થતું નથી.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને આજ વીડિયો ANI દ્વારા તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 19 ડિસેમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના પરથી અમને એ જાણવા મળ્યું કે, આ આખો વીડિયો લગભગ 1 મિનિટનો છે, જ્યારે વાયરલ વીડિયો માત્ર 13 સેકન્ડનો છે.  તેનો અર્થ એ થયો કે, આ વીડિયોમાંથી બાકીના દ્રશ્યો કાપી નાખવામાં આવ્યા છે.

આ સિવાય ન્યૂઝ એજન્સી પીટીઆઈએ પણ આ જ માહિતી સાથે ટ્વિટર પર ધક્કામુક્કીની ઘટના પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયાનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે, તે તેમની સાથે થયેલી મારામારી વિશે વાત કરી રહ્યા હતા.

પીટીઆઈ દ્વારા ટ્વિટ કરવામાં આવેલા વીડિયોમાં રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, “તમારા કેમેરામાં હશે, આ સંસદનો પ્રવેશદ્વાર છે, જ્યારે હું અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ભાજપના સાંસદો મને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેઓ મને ધમકાવી રહ્યા હતા , તો એવું થયું છે.” આ પછી મીડિયાકર્મીઓએ પૂછ્યું કે, શું મલ્લિકાર્જુન ખડગે સાથે પણ ઝપાઝપી થઈ હતી? જવાબમાં રાહુલ કહે છે કે, “જુઓ, જુઓ… હા, હા કર્યું છે, પરંતુ તે ઠીક છે, કોઈ ધક્કો મારવાથી અમને કંઈ થશે નહીં, પરંતુ આ સંસદ ભવનનું પ્રવેશદ્વાર છે અને અમને અંદર જવાનો અધિકાર છે અને ભાજપના સભ્યો અમને અંદર જતાં રોકી રહ્યા હતા.” આ પછી એક પત્રકારે રાહુલ ગાંધીને અમિત શાહના રાજીનામા અંગે પૂછ્યું. તેના જવાબમાં રાહુલ કહે છે કે, “કેન્દ્રીય મુદ્દો એ છે કે, તેઓ બંધારણ પર હુમલો કરી રહ્યા છે અને આંબેડકરજીની સ્મૃતિનું અપમાન કરી રહ્યા છે.”

NDTV દ્વારા અપલોડ કરાયેલા વીડિયોમાં પણ આ જ વાતચીત સાંભળી શકાય છે.

અમે વાયરલ વીડિયો અને અમને મળેલા વીડિયોનું વિશ્લેષણ કર્યું. આ વીડિયો એ વાતની પુષ્ટિ કરે છે કે, રાહુલ ગાંધી ખડગે સાથે થયેલી ઝપાઝપી વિશે વાત કરી રહ્યા હતા. તે ભાજપના સાંસદો પર હુમલો કરવાનું સ્વીકારતા ન હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પત્રકારો સાથે વાતચીત કરી રહેલા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો વીડિયો છે વાસ્તવમાં તેઓ ભાજપના સાંસદો પર તેમના અને મલ્લિકાર્જુન ખડગે સાથે ધક્કામુક્કી કરવાનો આરોપ લગાવી રહ્યા છે. આ વીડિયોને લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી અને અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો રાહુલ ગાંધીએ ભાજપના નેતાને ધક્કો માર્યો હોવાની કબૂલાત કરતા વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: False