પોસ્ટમાં મનાલી ખાતેના ટ્રાફિકનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ 2022 ના જાન્યુઆરી મહિનાનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

વર્ષ 2024ના ડિસેમ્બર મહિનાની છેલ્લી તારીખ અને છેલ્લો દિવસ 31 ડિસેમ્બરના લોકો ફરવા જતા હોય છે, આ વચ્ચે મનાલી ખાતે થયેલા ટ્રાફિકનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તાજેતરમાં ઠંડીની મજા માણવા માટે હિમાચલપ્રદેશના મનાલી ખાતે એકઠા થયેલા લોકોના વાહનોના ટ્રાફિકનો આ ફોટો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 જાન્યુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તાજેતરમાં ઠંડીની મજા માણવા માટે હિમાચલપ્રદેશના મનાલી ખાતે એકઠા થયેલા લોકોના વાહનોના ટ્રાફિકનો આ ફોટો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો Raid De Himalaya નામના ફેસબુક યુઝર દ્વારા 11 જુલાઈ, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ પોસ્ટના શીર્ષકમાં ‘Manali @YashHanda’ લખવામાં આવ્યું છે. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં સૌથી નીચે વચ્ચે તમે ‘theyashhanda’ લખેલો વોટરમાર્ક પણ જોઈ શકો છો.
ઉપરોક્ત કીવર્ડને ધ્યાનમાં રાખીને, અમે યશ હાંડાનું એકાઉન્ટ શોધ્યું હતું. જેના પરિણામોમાં અમને Oyeghumnechalસાથે મળીને યશ હાંડાના એકાઉન્ટ પર પ્રકાશિત આજ ફોટો પ્રાપ્ત થયો હતો. આ ફોટો 27 જાન્યુઆરી, 2022 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ ફોટોની નીચે કોમેન્ટમાં અમને યશ હાંડા દ્વારા કરવામાં આવેલી એક કોમેન્ટ પણ મળી હતી જેમાં જણાવાયું હતું કે, તેણે 2જી જાન્યુઆરી, 2022ના રોજ આ ફોટો ક્લિક કર્યો હતો. આ ફોટો હિમાચલ પ્રદેશના મનાલીમાં કેપ્ચર કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મનાલી ખાતેના ટ્રાફિકનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ 2022 ના જાન્યુઆરી મહિનાનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake Check: મનાલીના ટ્રાફિક જામના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Missing Context
