કોંગ્રેસ નેતા મોહમ્મદ નૌશાદે પીએમ મોદીને ગાળો આપી ન હતી… જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political રાષ્ટ્રીય I National

કોંગ્રેસ નેતા મોહમ્મદ નૌશાદે પીએમ મોદીને ગાળો આપી ન હતી. ગાળો આપનાર વ્યક્તિનું નામ મોહમ્મદ રિઝવી છે અને તે હવે પોલીસ કસ્ટડીમાં છે.

બિહાર ચૂંટણી પહેલા જ રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષે બિહારમાં ‘મતદાર અધિકાર યાત્રા’નું આયોજન કર્યું છે.

આ યાત્રા દરમિયાન, દરભંગા જિલ્લામાં કોંગ્રેસના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા સામે અપશબ્દોનો ઉપયોગ થતો હોવાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેના કારણે હોબાળો મચી ગયો હતો. આ વીડિયોને લઈ સોશિયલ મીડિયા પર આ દાવા કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસ નેતા મોહમ્મદ નૌશાદે પીએમ મોદીની માતા માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 29 ઓગસ્ટ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોંગ્રેસ નેતા મોહમ્મદ નૌશાદે પીએમ મોદીની માતા માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

અહેવાલો અનુસાર, 27 ઓગસ્ટના રોજ ‘મતદાર અધિકાર યાત્રા’ દરમિયાન, દરભંગાના સિમરી પોલીસ સ્ટેશન વિસ્તારના બિથૌલી વિસ્તારમાં એક યુવકે કથિત રીતે પીએમ મોદી અને તેમની માતા વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.

વીડિયો વાયરલ થયા બાદ, દરભંગા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આ કેસમાં મોહમ્મદ રિઝવી નામના યુવકની ધરપકડ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, રિઝવી કોઈપણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોવાના કોઈ નક્કર પુરાવા હજુ સુધી મળ્યા નથી. 

દરભંગા સદરનાં સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO-2) સુરેન્દ્ર કુમાર સુમને જણાવ્યું હતું કે આરોપી મોહમ્મદ રિઝવી પિકઅપ વાન ડ્રાઈવર તરીકે કામ કરે છે. આ ઉપરાંત, તેની પાસે પંચરની દુકાન પણ છે.

મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે પૂછપરછ હજુ ચાલુ છે અને તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, દુર્વ્યવહાર પાછળનો હેતુ હજુ સ્પષ્ટ નથી.

દરભંગા પોલીસે આરોપી મોહમ્મદ રિઝવીને પણ મીડિયા સામે રજૂ કર્યો હતો.

આનાથી સ્પષ્ટ થાય છે કે પીએમ મોદીની માતા વિશે અપશબ્દો કહેનાર વ્યક્તિ કોંગ્રેસ નેતા મોહમ્મદ નૌશાદ નથી, પરંતુ મોહમ્મદ રિઝવી છે.

Archive

આ કેસમાં મોહમ્મદ નૌશાદનો શું સંબંધ છે?

જે સ્ટેજ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો તે સ્થાનિક કોંગ્રેસ નેતા મોહમ્મદ નૌશાદનું હતું. તેમના સ્ટેજ પરથી કરવામાં આવેલી આ અભદ્ર ટિપ્પણીનો વીડિયો સામે આવ્યા બાદ, મોહમ્મદ નૌશાદે તેના માટે માફી માંગી.

તેમણે તેમના ફેસબુક પેજ પર એક વીડિયો દ્વારા માફી માંગીને પોતાનો પક્ષ રજૂ કર્યો.

તેમના મતે, 27 ઓગસ્ટના રોજ અથરબેલ-બિઠૌલી માન સરોવર લાઇન હોટેલ કોમ્પ્લેક્સ પાસે રાહુલ ગાંધીના સ્વાગત માટે તેમના દ્વારા એક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. સ્વાગત પછી, તેઓ રાહુલ ગાંધીના કાફલા સાથે મુઝફ્ફરપુર જવા રવાના થયા. આ પછી, તેમની ગેરહાજરીમાં, એક અજાણ્યો વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો અને વડાપ્રધાન સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો.

તેમણે કહ્યું, “કોંગ્રેસના મંચ અને મને બદનામ કરવાના ષડયંત્રના ભાગ રૂપે, તે અજાણ્યા વ્યક્તિને ઉશ્કેરીને સ્ટેજ પર મોકલવામાં આવ્યો અને આ ઘૃણાસ્પદ કૃત્ય કરવા માટે મજબૂર કરવામાં આવ્યો. હું આ ઘટનાની સખત નિંદા કરું છું. કારણ કે આ કાર્યક્રમ મારો હતો, હું તે અજાણ્યા વ્યક્તિના અભદ્ર કૃત્ય માટે માફી માંગુ છું. પીએમ મોદી મારા પણ વડાપ્રધાન છે. તેઓ આવી ઘટનાઓને સમર્થન આપતા નથી.”

મોહમ્મદ નૌશાદ બિહારના દરભંગા જિલ્લાના જાલે પોલીસ સ્ટેશન વિસ્તારના દેઉરા બંધૌલી ગામના રહેવાસી છે. તેઓ યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ રહી ચૂક્યા છે અને હાલમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) ના સભ્ય છે. તેઓ બિહાર વિધાનસભા ચૂંટણીમાં જાલે બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ મેળવવાની રેસમાં છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કોંગ્રેસ નેતા મોહમ્મદ નૌશાદે પીએમ મોદીને ગાળો આપી ન હતી. ગાળો આપનાર વ્યક્તિનું નામ મોહમ્મદ રિઝવી છે અને તે હવે પોલીસ કસ્ટડીમાં છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:કોંગ્રેસ નેતા મોહમ્મદ નૌશાદે પીએમ મોદીને ગાળો આપી ન હતી… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *