
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં સાઉથ-ઈસ્ટ એશિયાના દેશોમાં આવેલા દિતવાહ વાવાઝોડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો તાજેતરનો નહીં પરંતુ સપ્ટેમ્બર 2025માં હૈદરાબાદમાં થયેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો છે. આ ફોટોને દિતવાહ વાવાઝોડા સાથે કોઈ જ સંબંધ નથી. સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 30 નવેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સાઉથ-ઈસ્ટ એશિયાના અનેક દેશોમાં વાવાઝોડા, અતિ ભારે વરસાદ અને પૂરના કારણે પરિસ્થિતિ અત્યંત ખરાબ બની છે. થાઇલૅન્ડ, ઇન્ડોનેશિયા અને શ્રીલંકામાં છેલ્લા કેટલાક દિવસોમાં મળીને 295થી વધુ લોકોના મોત થયા છે.
*થાઇલૅન્ડ*
થાઇલૅન્ડના સોંગખલા સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ બાદ આવેલ પૂરે વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.
* *145 લોકોના મોત*.
* લાખો લોકો પૂરથી પ્રભાવિત.
* અનેક શહેરોમાં ઘરો–હોટેલો–વ્યવસાયિક વિસ્તાર પાણીમાં ડૂબ્યા.
* આવનારી સાઉથ-ઈસ્ટ એશિયન ગેમ્સની 11 ઈવેન્ટ સ્થળાંતર કરવાની સ્થિતિ.
*ઇન્ડોનેશિયા*
નોર્થ અને વેસ્ટ સુમાત્રામાં સેન્યાર વાવાઝોડા સાથે આવેલ ભારે વરસાદે કૃત્રિમ પૂર જેવી સ્થિતિ ઊભી કરી.
* *94 લોકોના મોત*.
* હજારો લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા.
* ભૂસ્ખલનને કારણે બચાવ કામગીરીમાં અવરોધ.
* અનેક ગામોમાં 1 મીટર સુધી પાણી ભરાયું.
*મલેશિયા: વાવાઝોડાનું લેન્ડફોલ*
મલેશિયામાં વાવાઝોડા સેન્યારના લેન્ડફોલ બાદ સ્થિતિ બગડી રહી છે.
* *2 લોકોના મોત*.
* 30 હજારથી વધુ લોકોને શેલ્ટરમાં ખસેડાયા.
*શ્રીલંકા*
• દિતવાહ વાવાઝોડાથી 56 મોત, 20થી વધુ લોકો ગુમ.
• ગંભીર વરસાદ–ભૂસ્ખલન; શાળાઓ, રેલવે–એરપોર્ટ કામગીરીમાં વિક્ષેપ.
• ભારતે ઓપરેશન સાગર બંધુ અંતર્ગત માનવતાવાદી સહાય મોકલી.
*દક્ષિણ ભારત માટે ચેતવણી*
• વાવાઝોડું હવે તમિલનાડુ–દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે.
• 29–30 નવેમ્બરે અતિભારે વરસાદની આગાહી; માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં સાઉથ-ઈસ્ટ એશિયાના દેશોમાં આવેલા દિતવાહ વાવાઝોડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગૂગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ડેક્કન ક્રોનિકલ દ્વારા ટ્વિટર પર આ જ ફોટો સાથેના વીડિયો સમાચાર 27 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “હૈદરાબાદમાં ભારે વરસાદથી મુસી નદીનું સ્તર વધ્યું. અધિકારીઓએ નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર શરૂ કર્યું.”
અમારી વધુ તપાસમાં અમને ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC) દ્વારા 27 સપ્ટેમ્બર, 2025ના રોજ કરવામાં આવેલી એક પોસ્ટ પણ મળી હતી. તેમાં વાયરલ ફોટોમાં દેખાતા સ્થાનને તમે જોઈ શકો છો.

વધુમાં અમને સ્ટોક ઇમેજ વેબસાઇટ ગેટ્ટી ઇમેજમાં પણ આ જ ફોટો મળ્યો હતો, “27 સપ્ટેમ્બર, 2025ના રોજ હૈદરાબાદમાં ચોમાસામાં ભારે વરસાદ પછી મુસી નદી વહેતી હોવાનું એક સામાન્ય દૃશ્ય દર્શાવે છે.”

અહેવાલો અનુસાર, સપ્ટેમ્બર 2025માં ભારે વરસાદને કારણે મુસી નદીમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે હૈદરાબાદમાં ભારે પૂર આવ્યું હતું અને અધિકારીઓને નીચાણવાળા વિસ્તારોમાંથી રહેવાસીઓને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો તાજેતરનો નહીં પરંતુ સપ્ટેમ્બર 2025માં હૈદરાબાદમાં થયેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો છે. આ ફોટોને દિતવાહ વાવાઝોડા સાથે કોઈ જ સંબંધ નથી. સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
Title:જાણો તાજેતરમાં સાઉથ-ઈસ્ટ એશિયાના દેશોમાં આવેલા દિતવાહ વાવાઝોડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False


