
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા નરેશ અગ્રવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતા નરેશ અગ્રવાલે ભગવાનના નામોને દારુના નામો સાથે જોડ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017નો છે અને ત્યારે નરેશ અગ્રવાલ સમાજવાદી પાર્ટીમાં હતા. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 21 ડિસેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જોઇલો હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કેવી રીતે સાંસદ ભવનમાં કરવામાં આવી રહ્યું છે આ છે બીજેપીના નેતાઓ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતા નરેશ અગ્રવાલે ભગવાનના નામોને દારુના નામો સાથે જોડ્યા તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગૂગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો 20 જુલાઈ, 2017 ના રોજ ટોટલ ટીવી નામની એક સત્તાવાર સમાચાર ચેનલ દ્વારા તેના યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, મોબ લિંચિંગ પર ચર્ચા કરતી વખતે સમાજવાદી પાર્ટીના મહાસચિવ નરેશ અગ્રવાલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેમાં તેઓએ એવું કહ્યું હતું કે, ‘व्हिस्की में विष्णु बसे, रम में बसे श्रीराम, जिन में माता जानकी और ठर्रे में हनुमान, सिया पत रामचंद्र की जय‘. તેમના આ નિવેદન બાદ સંસદમાં ભારે હંગામો થયો હતો.
વધુમાં અમને આ જ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ABP News | VK News
યુટ્યુબ પર વધુ તપાસ કરવા પર અમને 19 જુલાઈ, 2017ના રોજ રાજ્યસભા ટીવી એટલે કે સંસદ ટીવી પર પ્રસારિત કરવામાં આવેલી તે જ વીડિયો ક્લિપ મળી. પરંતુ વાયરલ વીડિયોનો ભાગ તેમાં બતાવવામાં આવ્યો નથી.
જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, નરેશ અગ્રવાલ સમાજવાદી પાર્ટીના નેતા છે. આના પરથી અમને સમજાયું કે, તે સમયે નરેશ અગ્રવાલ સમાજવાદી પાર્ટીમાં હતા.
તે દરમિયાન નરેશ અગ્રવાલના આ નિવેદન પર ઘણી ચર્ચા થઈ હતી. આ અંગેનો એક અહેવાલ 19 જુલાઈ, 2017ના રોજ એબીપી ન્યૂઝ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવે છે કે, નરેશ અગ્રવાલના આ નિવેદન પર સંસદમાં ભારે હોબાળો થયો હતો. સંસદની કાર્યવાહી અટકાવવામાં આવી હતી અને જ્યારે તેઓ ફરી શરૂ થયા ત્યારે નરેશ અગ્રવાલને માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો અને પછી મામલો ખતમ થઈ ગયો.
તમને જણાવી દઈએ કે, નરેશ અગ્રવાલે માર્ચ 2018માં ભાજપની સદસ્યતા લીધી હતી. આના પરથી આપણે કહી શકીએ કે, જ્યારે તેણે આ નિવેદન આપ્યું ત્યારે તે ભાજપમાં નહોતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017નો છે અને ત્યારે નરેશ અગ્રવાલ સમાજવાદી પાર્ટીમાં હતા. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:જાણો ભાજપના નેતા નરેશ અગ્રવાલે દારુના નામોને ભગવાન સાથે જોડ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False


