જાણો રેલવે સ્ટેશન પર વાયરલેસ બ્લૂટુથના કારણે યુવક મૃત્યુ પામ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે બે વ્યક્તિ સ્ટેશન પર ઉભા છે દરમિયાન એક વ્યક્તિ અચાનક કરંટ લાગવાથી નીચે રેલવે ટ્રેક પર પડી જાય છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રેલ્વે સ્ટેશન પર 25000 વોલ્ટની લાઈનમાંથી નીચે ઉભેલા માણસના બ્લૂટુથ ઈયરફોનમાં સીધો કરંટ ઉતરીને, પગ નીચેથી જમીનમાં ઉતરે છે અને ભાઈનું મોત થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં બ્લૂટુથ અને ઇયરફોનના કારણે કરંટ લાગ્યો હોવાની માહિતી તદ્દન ખોટી છે. હાઈવોલ્ટેજ લાઈનનો વાયર માથા પર પડતાં તેમને ઈજા પહોંચી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે?

એક ફેસબુક યુઝર દ્વારા 27 નવેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, *સાવધાન રહો…* રેલ્વે સ્ટેશન પર 25000 વોલ્ટની લાઈનમાંથી નીચે ઉભેલા માણસના બ્લુટુથ ઈયરફોનમાં સીધો કરંટ ઉતરીને, પગ નીચેથી જમીનમાં ઉતરે છે અને ભાઈનું મોત થયું. માટે, રેલવે પ્લેટફોર્મ ઉપર, વીજળીના તાર નીચે ઉભા રહીને બ્લ્યુટુથ વાળા ફોનનો ઉપયોગ કરવો નહીં.👇🏻👇🏻. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રેલ્વે સ્ટેશન પર 25000 વોલ્ટની લાઈનમાંથી નીચે ઉભેલા માણસના બ્લૂટુથ ઈયરફોનમાં સીધો કરંટ ઉતરીને, પગ નીચેથી જમીનમાં ઉતરે છે અને ભાઈનું મોત થયું તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને 8 ડિસેમ્બર, 2022ના ઈન્ડિયા ટુડે દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, પશ્ચિમ બંગાળના ખડગપુર રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ પર ઉભા હતા ત્યારે એક તૂટેલા હાઇ-વોલ્ટેજ વાયર TTE અધિકારીના માથા પર પડ્યો હતો, ઇ આ અકસ્માતમાં દાઝી ગયેલા અધિકારીનું નામ સુજાન સિંહ સરદાર છે. ઘટનાસ્થળે રેલ્વે સ્ટાફ અને મુસાફરો દ્વારા સુજાન સિંહને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેમનો જીવ બચી ગયો હતો.

image-21.png

India Today | Archive

ભારતીય રેલ્વેના ચીફ પ્રોજેક્ટ મેનેજર અનંત રૂપાંગુડીએ 8 ડિસેમ્બર, 2022ના રોજ આ જ વીડિયો શેર કર્યો અને કહ્યું, “ગઈકાલે બપોરે ખડગપુર સ્ટેશન પર એક વિચિત્ર ઘટના બની, એક પક્ષી કેબલનો લાંબો ટુકડો લઈ ગયો. આ ટુકડો OHE વાયરના સંપર્કમાં આવ્યો અને બીજો છેડો નીચે TTE અધિકારીના માથાને સ્પર્શ્યો. આ અકસ્માતમાં અધિકારી ચોંકી ગયો હતો અને દાઝી ગયો હતો. પરંતુ હવે તે ખતરાની બહાર છે અને તેની સારવાર ચાલી રહી છે.”

Archive 

જ્યારે ડીઆરએમ અધિકારી, ડિવિઝનલ રેલવે મેનેજર, ખડગપુરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટતા કરી કે, “વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે. TTE અધિકારી સુજાન સિંહને વીજળીનો કરંટ લાગ્યો ન હતો કારણ કે તેના કાનમાં બ્લૂટૂથ ઇયરફોન અથવા વાયરલેસ બડસ હતા. આ અકસ્માત 7 ડિસેમ્બર, 2022 ના રોજ બપોરના સુમારે થયો હતો. હાઈવોલ્ટેજનો વાયર માથા પર પડતાં તેને ઈજા થઈ હતી. પરંતુ હવે તેઓ ખુશ છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં બ્લૂટુથ અને ઇયરફોનના કારણે કરંટ લાગ્યો હોવાની માહિતી તદ્દન ખોટી છે. હાઈવોલ્ટેજ લાઈનનો વાયર માથા પર પડતાં તેમને ઈજા પહોંચી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો રેલવે સ્ટેશન પર વાયરલેસ બ્લૂટુથના કારણે યુવક મૃત્યુ પામ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

Written By: Vikas Vyas  

Result: False