
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક જ લાઈનમાં દેખાઈ રહેલા ગ્રહોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહાકુંભ દરમિયાન બનેલી ઘટનાનો આ દુર્લભ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હાવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એક જ લાઈનમાં દેખાઈ રહેલા ગ્રહોનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ મહાકુંભ મેળાનો નહીં પરંતુ વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયા ખાતે બનેલી ઘટનાનો છે. આ ફોટોને મહાકુંભ મેળા સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 4 ફેબ્રુઆરી, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પ્રયાગરાજમાં વહેલી સવાર. જોવાલાયક ભવ્ય દૃશ્ય! શનિ, મંગળ, શુક્ર, ગુરુ અને સૂર્યોદય પહેલા અર્ધચંદ્રાકાર. મહાકુંભ મેળો આ દુર્લભ ગ્રહોની પરેડ સાથે જોડાયેલો છે. ૧૪૪ વર્ષમાં પહેલી વાર ૨૯ જાન્યુઆરીએ વહેલી સવારે પુષ્ય નક્ષત્ર સાથે ગુરુ, શનિ, સૂર્ય અને ચંદ્ર એક જ રેખામાં પરેડ કરતા જોવા મળ્યા. ભારતીય ખગોળશાસ્ત્રનું કેટલું તેજસ્વી સ્વરૂપ.. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહાકુંભ દરમિયાન બનેલી ઘટનાનો આ દુર્લભ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો એક ફેસબુક યુઝર દ્વારા 24 જાન્યુઆરીના રોજ આજ ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો.
અમારી વધુ તપાસમાં અમને 1 મે, 2022ના રોજ કોસ્મિક ઈન્ટેલિજન્સ એજન્સીના ફેસબુક એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવેલ આજ ફોટો મળ્યો હતો. જેના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, આ ફોટો 3 વર્ષ જૂનો છે અને તેને મહાકુંભ 2025 સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોના કેપ્શનમાં એવું લખ્યું છે કે, “28 એપ્રિલ, 2022ના રોજ સૂર્યોદય પહેલા શનિ, મંગળ, શુક્ર, ગુરુ અને અસ્ત થતો અર્ધચંદ્રાકાર.” અહીં તે ઓસ્ટ્રેલિયાની હોવાનું કહેવાય છે અને આ ફોટોનો શ્રેય રેન થીલેન નામના વ્યક્તિને આપવામાં આવ્યો છે.
ગુગલ પર ઉપરોક્ત માહિતીને સર્ચ કરતાં અમને રેન થિલેનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ મળ્યું હતું. અહીં તેણે આ ફોટો 28 એપ્રિલ, 2022ના રોજ પોસ્ટ કર્યો હતો. આ ફોટો પોસ્ટ કરતાં થિલેને લખ્યું હતું કે, “ડ્રેકસબ્રુક વિયર ખાતે ગ્રહ અને ચંદ્ર.” Drakesbrook Weir ઓસ્ટ્રેલિયામાં વૈરુના ડેમની નજીક સ્થિત એક સ્થળ છે. આ સ્થળ સ્વિમિંગ, કેનોઇંગ, બુશવૉકિંગ અને ફિશિંગ માટે પ્રખ્યાત છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એક જ લાઈનમાં દેખાઈ રહેલા ગ્રહોનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ મહાકુંભ મેળાનો નહીં પરંતુ વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયા ખાતે બનેલી ઘટનાનો છે. આ ફોટોને મહાકુંભ મેળા સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો એક જ લાઈનમાં દેખાઈ રહેલા ગ્રહોના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
