
“પાટીદાર અનામત આંદોલન” નામના પેજ પર ધીરેન પટેલ નામના ફેસબૂક યુઝર દ્વારા ગત 4 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી અને લખવામાં આવ્યુ હતુ કે, “અમરેલીને દુલ્હનની જેમ શણગારો, અમરેલીનો સાવજ નાયબ વડાપ્રધાન બને છે.” અને દાવો કરવામાં આવ્યો હતો કે, ”યુપીએની સરકાર બને તો પરેશ ધાનાણી નાયબ વડાપ્રધાન” આ પોસ્ટ પર 150 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા અને 1 વ્યક્તિએ કોમેન્ટ કરી હતી અને 58 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.
આ પોસ્ટ અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે સૌપ્રથમ ગૂગલની મદદથી કોંગ્રેસની ઓફિશિયલ વેબસાઈટ “www.inc.in” પર વિઝિટ કરી અને શું કોંગ્રેસ દ્વારા ખરેખર કોઈ આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. તે અંગે તપાસ કરતા કોંગ્રેસ દ્વારા હજુ તો વડાપ્રધાનનું નામ પણ જાહેર કરવામાં નથી આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તો નાયબ વડાપ્રધાનનું નામ જાહેર કરવાની વાત તો દૂર રહી.

ત્યારબાદ અમે યુ ટ્યુબની મદદ લેવાનું પણ નક્કી કર્યું અને યુ ટ્યુબ પર પણ અમે “congress announcement of deputy prime minister 2019” લખતા ઘણા પરિણામો મળ્યા પરંતું ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ પણ પ્રકારની પોસ્ટ અમને મળી ન હતી…

હજુ પણ આ અંગેની સત્યતા તપાસવાની જરૂર હતી. તેથી અમે પરેશ ધાનાણી સાથે સીધી જ વાત કરી હતી અને ઉપરોક્ત પોસ્ટ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, “કોંગ્રસ પાર્ટી દ્વારા હજુ સુધી તેમને આવી કોઈ વાત કરવામાં આવી નથી, આ માત્ર અફવા છે. ”

ત્યાર બાદ કોંગ્રેસના મોટા નેતાઓ સાથે પણ ઉપરોક્ત પોસ્ટ અંગે વાત કરી હતી. તેઓએ પણ પરેશ ધાનાણીને નાયબ વડાપ્રધાન બનાવવાની વાતને નકારી કાઢી હતી, વધારામાં તેઓએ જણાવ્યું હતું કે આ વાત સદંતર ખોટી છે, કારણ કે, પરેશ ધાનાણીથી પણ મોટા કદના નેતા કોંગ્રેસમાં છે. અને વડાપ્રધાન કોને બનાવવા તેમજ નાયબ વડાપ્રધાન કોને બનાવવા તે કોંગ્રસ અધ્યક્ષ અને ચૂંટાયેલા સાંસદો નક્કી કરશે, હજુ પાર્ટી અધ્યક્ષ દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી ન હોવાનું જણાવવામાં આવ્યું હતું…

પરિણામ
અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કોંગ્રેસ દ્વારા હજુ સુધી પરેશ ધાનાણીને નાયબ વડાપ્રધાન બનાવવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
છબીઓ : ગૂગલના માધ્યમથી
