
પુલવામા ખાતે થયેલા હુમલાને 14 ફેબ્રુઆરી, 2021 ના રોજ બે વર્ષ પૂરા થયા હતા. આ હુમલામાં ભારતના 40 જેટલા સૈનિકો શહીદ થયા હતા. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પુલવામા ખાતે થયેલા હુમલાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પુલવામા હુમલાનો નહીં પરંતુ વર્ષ 2007 માં ઈરાકમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ઘનશ્યામ નામના ફેસબુક યુઝર દ્વારા 14 ફેબ્રુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પુલવામા ખાતે થયેલા હુમલાનો છે.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો વર્ષ 2008 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો tom jones નામના યુટ્યુબ યુઝર દ્વારા 22 ઓક્ટોમ્બર, 2007 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, અમેરિકન કોન્વોય પર રોડ સાઈડમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો આ વીડિયો છે.
આજ વીડિયોને અન્ય કેટલાક યુટ્યુબ યુઝર દ્વારા પણ અપલોડ કરવામાં આવ્યો હતો. એક યુટ્યુબ યુઝર દ્વારા આ વીડિયોને Truck Bomb તેમજ અન્ય એક યુઝર દ્વારા આ વીડિયોને 2 સપ્ટેમ્બર, 2007 ના રોજ ઈરાક ખાતે સૈન્ય અડ્ડાની બહાર થયેલા બોમ્બ બ્લાસ્ટની માહિતી સાથે શેર કરવામાં આવ્યો હતો.
મેકક્લેચ અખબારના જણાવ્યા અનુસાર તાજિયામાં 2 સપ્ટેમ્બર, 2007 ના રોજ ઇરાકી પોલીસ ભરતી કેન્દ્રમાં આત્મઘાતી કાર બોમ્બ ફૂટ્યો હતો. જેમાં બે સૈનિકો માર્યા ગયા હતા અને આઠ સૈનિકો ઘાયલ થયા હતા. આ સિવાય વીડિયોને ધ્યાનથી જોતાં એ માલૂમ પડે છે કે, આ વીડિયો 2 સપ્ટેમ્બર, 2007 ના સાંજે 4 વાગ્યે બનેલી ઘટનાનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પુલવામા હુમલાનો નહીં પરંતુ વર્ષ 2007 માં ઈરાકમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો છે.

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પુલવામા હુમલાનો છે…?
Fact Check By: Vikas VyasResult: False
