ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો અને માહિતી વાયરલ થઈ રહી છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતાનો એક વૃદ્ધનો ધમકી આપતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કાનપુર ખાતે ભાજપના નેતા રાઘવેન્દ્ર મિશ્રા દ્વારા એક વૃદ્ધને ભાજપને વોટ કરવા મુદ્દે ધમકી આપવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કાનપુર ખાતે ભાજપના નેતા રાઘવેન્દ્ર મિશ્રા દ્વારા જે વૃદ્ધ સાથે બોલાચાલી કરવામાં આવી રહી છે એ તેમના કાકા છે અને આ વીડિયો એક રમૂજ માટે જ બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rajkot Mirror News નામના ફેસબુક પેજ દ્વારા 2 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કાનપુરના ગોવિંદ નગરમાં એસેમ્બલી વોર્ડ 91નો BJP કાઉન્સિલર રાઘવેન્દ્ર મિશ્રા એક વરિષ્ઠ નાગરિકને બીજી પાર્ટી વિરુદ્ધ મત આપવા બદલ કથિત રૂપે ધમકી આપતો કેમેરામાં કેદ થયો. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કાનપુર ખાતે ભાજપના નેતા રાઘવેન્દ્ર મિશ્રા દ્વારા એક વૃદ્ધને ભાજપને વોટ કરવા મુદ્દે ધમકી આપવામાં આવી તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટર અરવિંદ ચૌહાણ દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર પર 1 ફેબ્રુઆરી, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો કાનપુરના ગોવિંદનગર વિધાનસભા ક્ષેત્રનો છે. આ વીડિયોમાં વોર્ડ 91 ના ભાજપના કાઉન્સિલર રાઘવેન્દ્ર મિશ્રાને એક વૃદ્ધ નાગરિકને ધમકી આપવામાં આવતી હોવાનો વીડિયોમાં જોઈ શકાય છે કે જે ભાજપ પક્ષના વિરુદ્ધમાં વોટ કરવાનું ભાજપના નેતાને કહી રહ્યા છે.

ત્યાર બાદમાં અરવિંદ ચૌહાણ દ્વારા એક અપડેટ પોસ્ટ કરવામાં આવી જેમાં જણાવ્યું હતું કે, વરિષ્ઠ નાગરિક પોતાને રાઘવેન્દ્ર મિશ્રાના કાકા તરીકે ઓળખાવે છે. આપણે વૃદ્ધને સ્પષ્ટપણે એવું કહેતા સાંભળી શકીએ છીએ કે, તે રાઘવેન્દ્ર મિશ્રાના પિતા સાથે સંબંધ ધરાવે છે અને મિશ્રા તેમનો ભત્રીજો છે જેની સાથે તે વીડિયોમાં માત્ર મજાક કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, આ વીડિયો વ્યંગાત્મક મજાક તરીકે બનાવવામાં આવ્યો હતો જેમાં મિશ્રા તેમને ભાજપમાં જોડાવાનું કહી રહ્યા હતા પરંતુ ચૂંટણી પહેલા આ વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરીને ખોટી રીતે રાજનીતિ કરવામાં આવી રહી છે.

આ વીડિયો વાયરલ થતાની સાથે જ ઘણા યુઝર્સે યુપી પોલીસને ટેગ કરીને મામલાની તપાસ કરવાનું કહ્યું હતું. જેની પ્રતિક્રિયા રૂપે કાનપુર નગર પોલીસ કમિશનરેટે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર સ્પષ્ટતા જારી કરીને કહ્યું કે, વીડિયો વાયરલ થયા પછી તેઓએ તપાસ કરતાં એ જાણવા મળ્યું હતું કે, વીડિયોમાં રાઘવેન્દ્ર મિશ્રા અને તેના કાકા ભૂપેન્દ્ર સિંહ ભદૌરિયા દેખાય છે. તેમનું કહેવું છે કે, ભૂપેન્દ્ર સિંહ ભદૌરિયાએ સ્પષ્ટતા કરી છે કે, તેઓ મિશ્રાના સંબંધી છે અને તેમણે આ વીડિયોને ફક્ત એક મજાક તરીકે બનાવ્યો છે.

DM KANPUR NAGAR દ્વારા પણ આજ વીડિયોની સ્પષ્ટતા કરતો વીડિયો તેમના સત્તાવાર ટ્વિટર પર મૂકવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કાનપુર ખાતે ભાજપના નેતા રાઘવેન્દ્ર મિશ્રા દ્વારા જે વૃદ્ધ સાથે બોલાચાલી કરવામાં આવી રહી છે એ તેમના કાકા છે અને આ વીડિયો એક રમૂજ માટે જ બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર ભાજપના નેતા રાઘવેન્દ્ર મિશ્રા દ્વારા ભાજપને વોટ આપવા મુદ્દે વૃદ્ધને ધમકી આપવામાં આવી...?

Fact Check By: Vikas Vyas

Result: Missing Context