
ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું 8 ડિસેમ્બરના રોજ અવસાન થયું, જ્યારે તેમને લઈ જતું લશ્કરી હેલિકોપ્ટર તમિલનાડુમાં ક્રેશ થયું. ભારતીય વાયુસેનાએ ટ્વિટ કર્યું છે કે તેમની પત્ની મધુલિકા રાવત અને વિમાનમાં સવાર અન્ય 11 લોકોનું પણ અકસ્માતમાં મોત થયું છે.
8 ડિસેમ્બર 2021ના રોજ સમાચાર આવતા જ કેટલાક સોશિયલ મિડિયા યુઝર્સે ઘટનાના વાસ્તવિક ફૂટેજ તરીકે જૂની અને અસંબંધિત તસવીરો અને વિડિયો શેર કરવાનું શરૂ કર્યું.
CDS જનરલ બિપિન રાવતની હત્યામાં કુન્નુરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશના ફૂટેજ બતાવવાનો દાવો કરતો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક હેલિકોપ્ટર ખેતરમાં ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જમીન પર ક્રેશ થઈ રહ્યું છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેસનો વિડિયો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો નવેમ્બર 2021માં અરૂણાચલ પ્રદેશમાં હેલિપેડ પાસેના IAFના Mi-17 હેલિકોપ્ટર ક્રેશ લેન્ડિંગનો છે. વિડિયોનો હાલના હેલિકોપ્ટર ક્રેશ સાથે કોઈ સંબંધ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Police News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 08 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેસનો વિડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 19 નવેમ્બર 2021 ના રોજ હિન્દુસ્તાન ટાઈમ્સની યુટ્યુબ ચેનલ દ્વારા પ્રકાશિત સમાન વિડિયો પ્રાપ્ત થયો હતો. વિડિયોની હેડલાઇન મુજબ, તે અરૂણાચલ પ્રદેશમાં IAFનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ લેન્ડિંગ બતાવે છે.
આ અહેવાલ મુજબ, MI-17 હેલિકોપ્ટર બે પાઇલોટ અને ત્રણ ક્રૂ મેમ્બર સાથે અરૂણાચલ પ્રદેશમાં ક્રેશ-લેન્ડ થયું હતું જ્યારે સ્થાનિક લોકોએ તે ક્ષણને પકડી લીધી હતી. વિમાનમાં સવાર તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. હેલિકોપ્ટર મેઇન્ટેનન્સ સોર્ટી પર હતું જ્યારે તેને લોહિત સેક્ટરમાં બળજબરીથી લેન્ડ કરવું પડ્યું હતું. અહેવાલો અનુસાર, ટેકનિકલ ખામીને કારણે આ દુર્ઘટના બની હતી.
એએનઆઈ અને ઈસ્ટ મોજોએ 18 નવેમ્બર 2021ના રોજ આ જ વિડિયોની જાણ કરી હતી. તેઓએ અહેવાલ આપ્યો હતો કે, વિડિયોમાં પૂર્વ અરૂણાચલ પ્રદેશમાં હેલિપેડની નજીક ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ લેન્ડિંગનો છે. આ ઘટના અરૂણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં બની હતી. હેલિકોપ્ટર ભારતીય સૈન્ય માટે હાયુલિયાંગથી રોકચમ સુધી રાશન સોર્ટી કરી રહ્યું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો નવેમ્બર 2021માં અરૂણાચલ પ્રદેશમાં હેલિપેડ પાસેના IAFના Mi-17 હેલિકોપ્ટર ક્રેશ લેન્ડિંગનો છે. વિડિયોનો હાલના હેલિકોપ્ટર ક્રેશ સાથે કોઈ સંબંધ નથી.

Title:CDS બિપિન રાવતના ચોપર ક્રેશ તરીકે અરૂણાચલ પ્રદેશનો વિડિયો વાયરલ…
Fact Check By: Yogesh KariaResult: False
