સુરતના ચક્ચારી હત્યા કેસમાં કોઈ કોમ્યુનલ એંગલ નથી, સોશિયલ મિડિયામાં વાયરલ મેસેજ તદ્દન ખોટો છે….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

સમગ્ર દેશમાં સુરતના ચકચારી હત્યા કેસનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. એક તરફી પ્રેમી દ્વારા તેની કથિત પ્રેમિકાની જાહેરમાં ગળુ કાપી અને હત્યા કરવા માં આવી, ત્યારબાદ પોતે પણ પોતાના હાથની નશ કાપી નાખી હતી. જેનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે જોનારના રૂવાળા ઉભા કરી દે છે. હાલમાં આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હિંદુ યુવતીએ મુસ્લિમ બનવાની ના પાડતા મુસ્લિમ યુવક દ્વારા તેની ગળુ કાપી હત્યા કરવામાં આવી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, સુરતની હત્યાના આ બનાવમાં કોઈ કોમ્યુનલ એંગલ નથી, હત્યા કરનાર યુવક મુસ્લિમ નહીં પરંતુ હિન્દુ જ છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Satish Dave નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હિંદુ યુવતીએ મુસ્લિમ બનવાની ના પાડતા મુસ્લિમ યુવક દ્વારા તેની ગળુ કાપી હત્યા કરવામાં આવી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઝીન્યુઝનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની ફેનીલ પંકજભાઈ ગોયાણી નામના યુવક દ્વારા હત્યા કરવામાં આવી હતી. 

પરિવાર દ્વારા બદનામીના ડરથી આ યુવક સામે ફરિયાદ નોંધાવવામાં આવતી ન હતી. જેના પરિણામે પરિવારે યુવતી ખોવાનો વારો આવ્યો હતો.

તેમજ આરોપી ફેનિલના પિતા પંકજભાઈ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, મારો સિક્કો જ ખોટો છે. તે અમારા કહ્યામાં નથી. તેના વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે મેં ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે વખતે મને જણાવ્યું કે, હવેથી હું ગ્રીષ્માને હેરાન નહીં કરું, પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો ન હતો. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો અમને મંજૂર છે. 

તેમજ યુવકને પરિવાર દ્વારા 7 વખત સમજાવવામાં આવ્યો હતો અને બાદમાં ગત્ત શનિવારના આ યુવક દ્વારા કામરેજના પાસોદરા પાટિયા પાસે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. 

ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ પરિવારની મુલાકાત કરી અને ન્યાય અપાવવાની ખાત્રી આપી હતી. ગૃહ મંત્રીનું આ નિવેદન તમે નીચે સાંભળી શકો છો.

તેમજ આ હત્યા કેસમાં રેન્જ IG દ્વારા SITની રચના કરવામાં આવી છે. ડાંગ SPની દેખરેખ હેઠળ 1 મહિલા ASP, 2 ડીવાએસપીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ત્યારબાદ અમે આ ઘટનાની એફઆઈઆરની કોપી પણ પ્રાપ્ત કરી હતી. જે ફરિયાદ ગ્રીષ્માના ભાઈ ઘ્રુવ નંદલાલ વેકરિયા દ્વારા નોંધવવામાં આવી હતી. જેમાં આરોપી તરીકે ફેનીલ પંકજભાઈ ગોયાણીનું નામ લખાવવામાં આવ્યુ હતુ અને આઈપીસીની કલમ 302, 307 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. 

તેમજ એફઆઈઆરમાં ગ્રીષ્માના ભાઈ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, “ફેનિલ 1 વર્ષથી મને હેરાન કરે છે અને પાછળ પાછળ આવે છે. તેને મામાએ અને પપ્પાના મિત્ર હરેશ કિકાણીએ પણ અગાઉ સમજાવ્યો હતો છતાં હેરાન કરે છે. આજે પણ તે ગેટ પાસે આવીને ઊભો છે.’ આ વાત મેં મારા મોટા પપ્પા સુભાષભાઈને કરી હતી. સાંજે 6.00 વાગે હું અને મોટા પપ્પા સમજાવવા માટે ગયેલા અને ફેનિલને કહ્યું હતું કે ‘તું કેમ ગ્રીષ્માને હેરાન કરે છે?’ એમ કહેતાં ફેનિલ ઉશ્કેરાઈ તકરાર કરવા લાગ્યો હતો.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે સુરત રૂરલ એસપી ઉષા રાડા નો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને પુષ્ટી કરી હતી કે, “આ ઘટનામાં કોઈ કોમ્યુનલ એંગલ નથી. આરોપી હિંદુ જ છે. એક તરફી પ્રેમમાં આરોપી દ્વારા આ યુવતીની હત્યા કરવામાં આવી છે. જે યુવકનું નામ ફેનીલ પંકજભાઈ ગોયાણી છે. ફેનીલ વિરૂદ્ધમાં આઈપીસી કલમ 307,302 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેને નામદાર કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ પર પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ કેસની જીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે. લોકોએ સોશિયલ મિડિયામાં આ પ્રકારની અફવાઓ ફેલાવવી ન જોઈએ. આપના માધ્યમથી પણ લોકોને જણાવીશુ કે આ પ્રકારની અફવાઓથી દૂર રહે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સુરતની હત્યાના આ બનાવમાં કોઈ કોમ્યુનલ એંગલ નથી, હત્યા કરનાર યુવક મુસ્લિમ નહીં પરંતુ હિન્દુ જ છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:સુરતના ચક્ચારી હત્યા કેસમાં કોઈ કોમ્યુનલ એંગલ નથી, સોશિયલ મિડિયામાં વાયરલ મેસેજ તદ્દન ખોટો છે…

Fact Check By: Yogesh Karia 

Result: False