તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુનામીને લીધે સર્જાયેલી પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં જાપાન ખાતે આવેલા 7.6 ની તીવ્રતાના ભૂકંપને કારણે જે સુનામી આવ્યું તેના લીધે સર્જાયેલી પરિસ્થિતિનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષ 2011 માં જાપાન ખાતે સુનામીને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 1 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જાપાનમાં 7.6 નો ધરતીકંપ. સુનામી જેવી સ્થિતિ દરિયા કિનારે જોવાઈ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં જાપાન ખાતે આવેલા 7.6 ની તીવ્રતાના ભૂકંપને કારણે જે સુનામી આવ્યું તેના લીધે સર્જાયેલી પરિસ્થિતિનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અમને ABC NEWS દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 14 માર્ચ, 2011 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો જાપાન ખાતે આવેલા ભૂકંપને કારણે સર્જાયેલી સુનામીની પરિસ્થિતિનો છે.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો 2011 માં એસોસિએટેડ પ્રેસ ની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો જોવા મળ્યો હતો જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના જાપાનના મિયાકો શહેરમાં બની હતી.

અમારી વધુ તપાસમાં અમને 2011 માં બનેલી આખી ઘટનાનું વર્ણન કરતી વેબસાઇટ પ્રાપ્ત થઈ હતી. જે અહેવાલ અનુસાર, 11 માર્ચ, 2011 ના રોજ, જાપાનના દરિયાકાંઠે 9.0 તીવ્રતાના ભૂકંપને કારણે સુનામી આવ્યું હતું. સમુદ્રના મોજા 24 ફૂટ ઊંચા ઉછળ્યા હતા. 100,000 થી વધુ ઇમારતો, રસ્તાઓ અને પુલોને નુકસાન થયું હતું. કેટલાક વિસ્તારોમાં સુનામીના મોજા 6 કિમી અંદર સુધી પહોંચી ગયા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષ 2011 માં જાપાન ખાતે સુનામીને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો તાજેતરમાં જાપાન ખાતે આવેલા ભૂકંપને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: False