તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિમસ્ખલનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં હિમાચલ પ્રદેશ ખાતે બનેલી હિમસ્ખલનની ઘટનાનો છે. જેમાં ઘણા સહેલાણીઓ બરફના તોફાનમાં ફસાઈ ગયાં હતાં. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં હિમસ્ખલનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ સિક્કીમના ગંગટોક ખાતે બનેલી ઘટનાનો છે. આ ઘટનામાં કુલ 27 લોકો ફસાયા હતા જેમાંથી 20 લોકોને બચાવી લેવાયા હતા અને 7 લોકોના કરુણ મોત થયા હતા. આ વીડિયોને હિમાચલ પ્રદેશ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ghanshyamsinh Vadherનામના ફેસબુક યુઝર દ્વારા 26 એપ્રિલ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગઇકાલે હિમાચલ પ્રદેશમાં હિમ સ્ખલન નાં કારણે ઘણાં સહેલાણીઓ બરફ માં ફસાઈ ગયાં છે બધાં સેલ્ફી લેવાનાં મુડમાં હતાં અને કુદરતે કંઈક જુદું જ વિચારેલ....જે આપ કલીપ માં જોઈ શકો છો.... જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં હિમાચલ પ્રદેશ ખાતે બનેલી હિમસ્ખલનની ઘટનાનો છે. જેમાં ઘણા સહેલાણીઓ બરફના તોફાનમાં ફસાઈ ગયાં હતાં.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ તક દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 4 એપ્રિલ, 2023 ના રોજ એક પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો સિક્કીમ ખાતે બનેલી હિમસ્ખલનની ઘટનાનો છે.

Archive

અમારી વધુ તપાસમાં અમને NDTV ઈન્ડિયાના અહેવાલમાં આ વીડિયો પ્રસારિત થયેલો જોવા મળ્યો. આ વીડિયો 5 એપ્રિલે પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તેમાં બતાવવામાં આવેલી ઘટના સિક્કિમમાં થયેલ હિમપ્રપાતની છે. તેમાં 27 લોકો ફસાયા હતા. આ ઘટનામાં 20 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને સાત લોકોના મોત થયા હતા.

Archive

ભાસ્કરની વેબસાઈટ પર પ્રકાશિત એક અહેવાલ મુજબ સિક્કિમમાં આ ઘટના ગંગટોકથી નાથુલા પાસને જોડતા જવાહરલાલ નહેરુ રોડ પર બપોરે 12:20 વાગ્યે બની હતી. બીજી બાજુ, હિમાચલ પ્રદેશમાં, લાહૌલ-સ્પીતિ જિલ્લાના લાહૌલ સબડિવિઝનમાં ચીકા નજીક હિમપ્રપાત થયો હતો. આ ઘટનામાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના બે મજૂરોના મોત થયા હતા અને એક લાપતા હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હિમસ્ખલનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ સિક્કીમના ગંગટોક ખાતે બનેલી ઘટનાનો છે. આ ઘટનામાં કુલ 27 લોકો ફસાયા હતા જેમાંથી 20 લોકોને બચાવી લેવાયા હતા અને 7 લોકોના કરુણ મોત થયા હતા. આ વીડિયોને હિમાચલ પ્રદેશ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં થયેલા હિમસ્ખલનનો આ વીડિયો છે...? જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: False