
ખેડૂતોના આંદોલનને લઈ સમગ્ર દેશનું રાજકારણ ગરમ છે, ત્યારે અલગ-અલગ ફોટોને જૂદી-જૂદી વ્યક્તિઓ સાથે જોડી અને સાચા ખોટા દાવા સાથે જૂદી-જૂદી પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. ત્યારે હાલ વધૂ એક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. જેમાં એક ફોટોમાં ભારતીય સેનાના જવાનનો ફોટો છે અને બીજા ફોટોમાં ઘાયલ ખેડૂતનો ફોટો જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતીય સેનાના શીખ રેજિમેન્ટના નિવૃત કેપ્ટન પીપીએસ ઢિલ્લન ખેડૂત આંદોલનમાં જોડાયા અને ઘાયલ થયા તેનો ફોટો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટોમાં દેખાતી બંને વ્યક્તિ અલગ-અલગ છે. રિટાયર્ડ કેપ્ટન પીપીએસ ઢિલ્લન ખેડૂત આંદોલનમાં જોડાયા નથી. તેઓ હાલમાં તેમના ઘરે જ છે. ખોટા દાવા સાથે તેમના ફોટોને ફેલાવવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Arjun Karangia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતીય સેનાના શીખ રેજિમેન્ટના નિવૃત કેપ્ટન પીપીએસ ઢિલ્લન ખેડૂત આંદોલનમાં જોડાયા અને ઘાયલ થયા તેનો ફોટો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ભારતીય સૈનિકના ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Prince Dhunna નામના ફેસબુક યુઝર દ્વારા શેર કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમને પ્રાપ્ત થયો હતો. તેમા તેમણે જણાવ્યુ હતુ કે, “આ ફોટોમાં ઈન્ડિયન આર્મીનો ગણવેશ પહેરી જે વ્યક્તિ બેસેલા છે તે તેમના મિત્રના પિતા છે. તેમજ ઘાયલ ખેડૂતનો જે ફોટો છે તે અન્ય કોઈ વ્યક્તિ છે. માટે આ પ્રકારની પોસ્ટ જો તમને મળે તો તેને ફોર્વડ ન કરતા.”
જે ક્લુના આધારે અમે અમારી પડતાલને આગળ વધારી હતી. દરમિયાન અમને Sikh Military History Forum નામના ફેસબુક પેજ પર Sukhwinder Singh Sarpanch Oboke દ્વારા 29 નવેમ્બર 2020ના કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં નિવૃત કેપ્ટન PPS ઢિલ્લનનો પોસ્ટ સાથેનો ફોટો શેર કરતા “હેપ્પી બર્થ ડે પપ્પા” લખવામાં આવ્યુ હતુ.
https://www.facebook.com/groups/sikhmilitaryhistoryforum/permalink/4198815626799435/
તેમજ Sukhwinder Singh Sarpanch Oboke દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ પર તેમનો અને તેમના પિતા પીપીએસ ઢિલ્લનનો ફોટો તારીખ 29 નવેમ્બર 2020ના શેર કર્યો હતો. જેમાં પણ “હેપ્પી બર્થ ડે પપ્પા” લખવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે સુખવિન્દર સિંઘનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ફોટો છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઘાયલ ખેડૂતનો જે ફોટો છે, તે મારા પિતાશ્રી નથી. તેમજ તેઓ હાલ ઘરે છે, ખેડૂતોના આ આંદોલનમાં જોડાયા નથી. હું આપના માધ્યમથી લોકોને અપિલ કરૂ છું કે, આ પોસ્ટને વાયરલ ન કરવામાં આવે.”
આપને જણાવી દઈએ કે, સુખવિંદર સિંહ પંજાબના તરનતારન જિલ્લાના પટ્ટી શહેરમાં સ્થિત ઉબોકેના સરપંચ છે, તેમણએ અમને તેના પિતા રિટાયર્ડ કેપ્ટન પિર્થીપાલ ઠિલ્લોના જન્મદિવસનો વિડિયો પણ ઉપલબ્ધ કરાવ્યો હતો.
ત્યારબાદ અમે વાયરલ થઈ રહેલા અન્ય વૃદ્ધ ખેડૂતના પૌત્ર તેજપાલ સિંહ ઓટલનો સંપર્ક કર્યો, તેમણે અમને કહ્યું, “જે ફોટો વાયરલ થઈ રહ્યો છે અને તેમાં જોવા મળતા વૃદ્ધ ખેડૂત મારા દાદા છે, તે ખેતી કરે છે અને બીજી તસ્વીરમાં તે જે માણસ છે. એક અલગ વ્યક્તિ છે. આ બંને લોકોને ચહેરો ખૂબ મળે છે જેના કારણે લોકો ભૂલથી ભરાઈ રહ્યા છે. મારા દાદા ખેડૂત આંદોલનમાં જોડાયા હતા અને મેં પણ તેમની સાથે આ આંદોલનમાં ભાગ લીધો છે. હરિયાણા અને પંજાબના શંભુ બોર્ડર પર પોલીસ સાથે થયેલા વિવાદમાં મારા દાદાને ઈજા થઈ, તેમની આંખોમાં ટાંકા આવેલા છે અને હવે મેં તેમને ઘરે પરત મોકલી દીધા છે. તેઓ આ ઘટનાથી ખૂબ જ ખુશ છે કારણ કે આ દેશ અને તેમના પોતાના ખેતરોના હિતની લડત માટે તેમનું લોહી વહી ગયું છે.“
તેજપાલસિંહ ઓટલે અમને તેમના દાદા એસ. બળવંતસિંહ ઓટલનો વિડિઓ પણ મોકલાવ્યો હતો. આ વિડિયોમાં તે જણાવી રહ્યું છે કે તેને કઈ રીતે ઈજા થઈ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટોમાં દેખાતી બંને વ્યક્તિ અલગ-અલગ છે. રિટાયર્ડ કેપ્ટન પીપીએસ ઢિલ્લન ખેડૂત આંદોલનમાં જોડાયા નથી. તેઓ હાલમાં તેમના ઘરે જ છે. તેમજ ઘાયલ ખેડૂતનું નામ એસ બળવતસિંહ ઓટલ છે.

Title:શું ખરેખર રિટાયર્ડ કર્નલ ખેડૂતોના આંદોલનમાં જોડાયા અને ઘાયલ થયા…??
Fact Check By: Yogesh KariaResult: False
