
તાજેતરમાં સોશિયલ મીડિયા પર બ્રિજ પરથી પસાર થઈ રહેલા વિમાનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ફિલિપાઈન્સ ખાતે બનેલી વિમાન દુર્ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષ 2015 માં તાઈવાન ખાતે બનેલી એક વિમાન દુર્ઘટનાનો છે. આ વિમાનનમાં 58 લોકો સવાર હતા જેમાંથી 31 ના મોત થયા હતા અને 15 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેમજ 12 જેટલા લોકો ગુમ થયા હતા. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Vadodara Is Great નામના ફેસબુક પેજ દ્વારા 04 જુલાઈ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બ્રેકિંગ ન્યૂઝ:ફિલિપાઈન્સમાં 85 મુસાફરોને લઈન જતુ એક પ્લેન ક્રેશ. ફિલિપાઈન્સમાં 85 મુસાફરોને લઈન જતુ એક મિલેટ્રી પ્લેન ક્રેશ થયું છે. આ અંગેની માહિતી આર્મીના વડાએ આપી છે.. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ફિલિપાઈન્સ ખાતે બનેલી વિમાન દુર્ઘટનાનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને bbc.com દ્વારા 04 ફેબ્રુઆરી, 2015 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, તાઈવાનની તાઈપેઈ નદીમાં ટ્રાન્સએશિયાનું વિમાન ક્રેશ થયું હતું. જેમાં સવાર 58 લોકોમાંથી 31 લોકોના મોત થયા હતા અને 12 લોકો ગુમ થયા હતા.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. thesun.co.uk | english.alarabiya.net
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, બ્રિજ પરથી પસાર થઈ રહેલા વિમાનનો જે ફોટો પોસ્ટમાં મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષ 2015 નો છે.
હવે એ પણ જાણવું જરુરી હતું કે, તાજેતરમાં ફિલિપાઈન્સ ખાતે વિમાન ક્રેશ થવાની કોઈ દુર્ઘટના બની છે કે કેમ?
તો અમારી વધુ તપાસમાં અમને vtvgujarati.com દ્વારા 04 જુલાઈ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ફિલિપાઈન્સ ખાતે 92 થી વધુ સૈનિકોને લઈ જઈ રહેલું એરફોર્સનું એક વિમાન ક્રેશ થયું હતું. જેમાં 45 સૈનિકોના મોત થયા હતા અને 51 સૈનિકોને બચાવી લેવામાં આવ્યા હતા.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. bbc.com | sandesh.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષ 2015 માં તાઈવાન ખાતે બનેલી એક વિમાન દુર્ઘટનાનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Title:શું ખરેખર તાજેતરમાં ફિલિપાઈન્સ ખાતે ક્રેશ થયેલા વિમાનનો આ ફોટો છે…?
Fact Check By: Vikas VyasResult: False
