
ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર બહુજન સમાજવાદી પાર્ટી એટલે કે બસપાના સુપ્રિમો માયાવતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે ચાલી રહેલી ચૂંટણીમાં બસપા સુપ્રિમો માયાવતીએ એવું કહ્યું કે, સમાજવાદી પાર્ટીને હરાવવા માટે ભાજપને વોટ આપવા પડે તો આપીશું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં ઉત્ત્રપ્રદેશ ખાતે ચાલી રહેલી ચૂંટણીનો નહીં પરંતુ વર્ષ 2020 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પહેલાંનો છે. આ વીડિયોને ઉત્તરપ્રદેશની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Sampurna Samachar Seva નામના ફેસબુક યુઝર દ્વારા 16 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, માયાવતીએ મોટો બોંબ ફોડયો….. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે ચાલી રહેલી ચૂંટણીમાં બસપા સુપ્રિમો માયાવતીએ એવું કહ્યું કે, સમાજવાદી પાર્ટીને હરાવવા માટે ભાજપને વોટ આપવા પડે તો આપીશું.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ANI દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર 29 ઓક્ટોમ્બર, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ એવું કહ્યું કે, સમાજવાદી પાર્ટીને હરાવવા માટે ભવિષ્યની યુપી એમએલસી ચૂંટણીમાં ભાજપ અથવા કોઈપણ પક્ષના ઉમેદવારને મત આપવો પડશે તો તે આપશે.”
અમારી વધુ તપાસમાં BBC News Hindi દ્વારા પણ આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર 29 ઓક્ટોમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
વધુમાં અમને આજ તક સમાચાર ચેનલ દ્વારા પણ આજ વીડિયો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના પરતી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં બસપા સુપ્રિમો માયાવતીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષ 2020 નો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં ઉત્ત્રપ્રદેશ ખાતે ચાલી રહેલી ચૂંટણીનો નહીં પરંતુ વર્ષ 2020 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પહેલાંનો છે. આ વીડિયોને ઉત્તરપ્રદેશની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Title:શું ખરેખર તાજેતરમાં ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં માયાવતીએ ભાજપને સમર્થન આપવાનું કહ્યું…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Missing Context
