
હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે અમિત શાહની જુવાનીનો ફોટો જોવામાં આવી રહી છે. જેમાં અમુક લોકો સાથે અમિત શાહ કોઈ કચેરીમાં જતા દેખાઈ રહ્યા છે. આ પોસ્ટ સાથે હિન્દીમાં લખાણ લખેલુ જોવા મળી રહ્યો છે. “देशका दुरभाग्य तो देखो एक तडीपार आज गृहमंत्री है #अमित_शाह_तडीपार को जब न्यायलय में हथकडी (रुमाल से छिपा ली) लगाकर पुलिस ले गयी थी… ऐतिहासिक फोटो को वायरल करें” આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમિત શાહને કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે તે સમયનો ફોટો છે ત્યારે તેમના હાથમાં હથકડી છે તેને નેપકિનથી સંતાળી દેવામાં આવી રહી છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, “અમિત શાહને સીબીઆઈ કોર્ટમાં લઈ જવામાં ન હતા આવી રહ્યા, તેમને ગાંધીનગરની સીબીઆઈ ઓફિસમાં લઈ જવામાં આવી રહ્યા હતા. તેમજ શાહના હાથમાં હથકડી ન હતી લગાવવામાં આવી, તેઓ નેપકિનથી તેમના હાથ સાફ કરી રહ્યા હતા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
શ્રી વિર પાટીદાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમિત શાહને કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે તે સમયનો ફોટો છે ત્યારે તેમના હાથમાં હથકડી છે તેને નેપકિનથી સંતાળી દેવામાં આવી રહી છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ધ હિન્દુનો 10 ઓગસ્ટ 2010નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ઓરિજનલ ફોટો શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “ફાઇલ ફોટોમાં સોહરાબુદ્દીનના ફેક એન્કાઉન્ટર કેસ સંદર્ભે 8 ઓગસ્ટે ગુજરાતના પૂર્વ પ્રધાન અમિત શાહને ગાંધીનગર સ્થિત સીબીઆઈ ઓફિસમાં લઈ જતા અધિકારીઓ જોવા મળે છે. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે આ કેસની તપાસ પૂર્ણ કરવા માટે સીબીઆઈને ત્રણ મહિનાનો સમય આપ્યો હતો.”
તેમજ અમને ક્લિયર ફોટો પ્રાપ્ત થયો હતો જેમાં અમિત શાહ નેપકિન થી તેમના હાથ સાફ કરી રહ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ આ ફોટોને ઝૂમ કરીને પણ અમે જોયુ તેમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે, અમિત શાહ નેપકિનથી તેમના હાથ સાફ કરી રહ્યા છે.
તેમજ અમિત શાહ ગાંધીનગર સીબીઆઈ ઓફિસ પર પહોચ્યા ત્યારનો વિડિયો તમે નીચે જોઈ શકો છો. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અમિત શાહના હાથ ખુલ્લા જોવા મળે છે, અને તેમના હાથમાં નેપકિન પણ જોવા મળે છે. જે તમે નીચે જોઈ શકાય છે.
શોહરાબુદ્દિન કેસમાં અમિત શાહનું કનેક્શન શું છે.?
વર્ષ 2010 માં, અમિત શાહે તેમની સામે ચાર્જશીટ દાખલ કર્યા બાદ સીબીઆઈ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. શરણાગતિ પૂર્વે શાહે કહ્યું, “આ ઘટના પાંચ વર્ષ પહેલા બની હતી. પરંતુ સીબીઆઈએ આટલી ઉતાવળ કરી હતી કે તેઓએ મને જવાબ આપવા માટે પૂરતો સમય પણ આપ્યો ન હતો. હું બધા આરોપોનો જવાબ આપીશ.“
સીબીઆઈની ચાર્જશીટમાં આઈપીએસ અધિકારીઓ ડી જી વણઝારા, રાજકુમાર પાંડિયન, એમ એન દિનેશ અને અભય ચુડાસમાની સાથે મુખ્ય આરોપી તરીકે અમિત શાહનું નામ પણ આપ્યું હતું. ચાર્જશીટ મુજબ, શાહ દ્વારા જ શેખ નામના આરોપી ગેંગસ્ટરને નાબૂદ કરવાની કામગીરી વણઝારા, પાંડિયન અને ચુડાસમાને સોંપવામાં આવી હતી.
શરૂઆતમાં અમિત શાહની જામીન અરજી ગુજરાતની સીબીઆઈની વિશેષ અદાલતે નકારી કાઢી હતી, પરંતુ બાદમાં ગુજરાત હાઇકોર્ટે તેને જામીન આપી દીધા હતા.
30 ડિસેમ્બર, 2014 ના રોજ, મુંબઈની સીબીઆઈની વિશેષ અદાલતે અમિત શાહને આ કેસમાંથી મુક્ત કરી દિધા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અમિત શાહને સીબીઆઈ કોર્ટમાં લઈ જવામાં ન હતા આવી રહ્યા, તેમને ગાંધીનગરની સીબીઆઈ ઓફિસમાં લઈ જવામાં આવી રહ્યા હતા. તેમજ શાહના હાથમાં હથકડી ન હતી લગાવવામાં આવી, તેઓ નેપકિનથી તેમના હાથ સાફ કરી રહ્યા હતા.

Title:શું ખરેખર અમિત શાહને કોર્ટમાં લઈ જઈ રહ્યા છે ત્યારનો ફોટો છે…?
Fact Check By: Yogesh KariaResult: False
