
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતી અને એક આધેડ ઉંમરના યુવકે લગ્ન કર્યા હોવાના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના એક ગામમાં પિતાએ પોતાની દીકરી સાથે લગ્ન કર્યા તેના આ ફોટા અને વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં યુવક અને યુવતી બંને અલગ-અલગ જાતિના છે અને બંને પિતા-પુત્રી હોવાની માહિતી ખોટી હોવાનું જન્મ-મરણ, લગ્ન નોંધણી કરનાર રજિસ્ટ્રારે જણાવ્યું હતું. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Zala Hina નામના ફેસબુક યુઝર દ્વારા 8 એપ્રિલ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બ્રેકિંગ ન્યૂઝ: ગૂજરાત ના આ ગામ માં પિતા અને પુત્રી એ લગન કર્યા || વીડિયો વાયરલ થયો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના એક ગામમાં પિતાએ પોતાની દીકરી સાથે લગ્ન કર્યા તેના આ ફોટા અને વીડિયો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર Dholllywood Dhamaal દ્વારા 09 એપ્રિલ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, સુરેન્દ્રનગરની શીતલ નામની યુવતીને તેના પિતાની ઉંમરના યુવક જેનું નામ દિનેશભાઈ છે તેમની સાથે પ્રેમ થઈ જતાં લગ્ન કરી લીધા હતા.
ઉપરોક્ત વીડિયોમાં ક્યાંય પણ યુવક અને યુવતી પિતા-પુત્રી હોવાની કોઈ જ માહિતી આપવામાં આવી નથી.
અમારી વધુ તપાસમાં અમને gujaratpress.com દ્વારા પણ આ સમાચાર 9 એપ્રિલ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ યુવક અને યુવતી પિતા-પુત્રી હોવાનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. gujaratmedia.in | mojilogujarati.com
ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે પોસ્ટમાં મૂકવામાં આવેલ લગ્નના સર્ટિફિકેટને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ લગ્નની નોંધણી અમરેલીના વાડિઆ ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવી છે. તો અમે સીધો જ વાડિઆ ખાતેના જન્મ-મરણ, લગ્ન નોંધણી રજિસ્ટ્રારનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “યુવક અને યુવતી પિતા-પુત્રી હોવાની જે માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે એ તદ્દન ખોટી છે. જે યુવકે લગ્ન કર્યા તેનું નામ ચડોતરા દિનેશભાઈ બાબુભાઈ છે એ બોટાદના રહેવાસી છે. જે પોતે પ્રજાપતિ છે જ્યારે યુવતીનું નામ ઝાપડીયા શીતલ દશરથભાઈ છે એ સુરેન્દ્રનગરની રહેવાસી છે. જે પોતે કોળી સમાજની છે. આ બંનેના લગ્નની નોંધણી મેં જ કરી છે. જોકે બંનેની ઉંમર વચ્ચે પિતા-પુત્રી જેટલો તફાવત ચોક્કસ છે.”
ત્યાર બાદ તેઓએ અમને આ બંને યુવક-યુવતીના કેટલાક દસ્તાવેજો પણ અમને મોકલ્યા હતા જે તમે નીચે જોઈ શકો છો.
18-04-2022-01-31-23-pmપરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં યુવક અને યુવતી બંને અલગ-અલગ જાતિના છે અને બંને પિતા-પુત્રી હોવાની માહિતી ખોટી હોવાનું જન્મ-મરણ, લગ્ન નોંધણી કરનાર રજિસ્ટ્રારે જણાવ્યું હતું. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર ગુજરાતમાં પિતાએ દીકરી સાથે લગ્ન કર્યા…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
