તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના ગૃહ મંત્રાલયના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીનની ચીજવસ્તુઓનો ઉપયોગ ના કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા આ મેસેજ મૂકવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, ગૃહ મંત્રાલયમાં વિશ્વજીત મુખર્જીના નામે કોઈ વ્યક્તિ કામ કરતો નથી કે ત્યાં વરિષ્ટ ઈન્વેસ્ટિગેશન ઓફિસર નામની કોઈ પદવી પણ નથી તેમજ સરકાર દ્વારા પણ આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ફોટો સાથેની માહિતી સોશિયલ મીડિયા પર ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 18 ઓક્ટોમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવું લખવામાં આવ્યું છે કે, ગુપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાન ભારત પર સીધો હુમલો કરી શકતું નથી, તેથી તેણે ચીન પાસે ભારતનો બદલો લેવાની માંગ કરી છે. ભારતમાં અસ્થમા ફેલાવવા માટે ચીને ખાસ પ્રકારના ફટાકડા ભરી દીધા છે, જે કાર્બન મોનોક્સાઇડ ગેસ માટે ઝેરી છે. આ ઉપરાંત, ભારતમાં, આંખના રોગોના વિકાસ માટે ખાસ લાઈટિંગ ડેકોરેટિવ લાઈટ પણ બનાવવામાં આવી રહી છે. પારોનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યો છે. કૃપા કરીને આ દિવાળી પર ધ્યાન રાખો અને આ ચાઈનીઝ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરશો નહીં. આ સંદેશ તમામ ભારતીયો સુધી પહોંચાડો. જય હિન્દ, વિશ્વજીત મુખર્જી, વરિષ્ઠ તપાસ અધિકારી, ગૃહ મંત્રાલય, ભારત સરકાર, (CG). આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીનની ચીજવસ્તુઓનો ઉપયોગ ના કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા આ મેસેજ મૂકવામાં આવ્યો છે.


Facebook Post

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગૃહ મંત્રાલય દ્વારા આ પ્રકારે કોઈ મેસેજ બહાર પાડવામાં આવ્યો છે કે કેમ? તે જાણવા માટે સૌપ્રથમ અમે આ માહિતીને ધ્યાનથી વાંચી તો તેના સૌથી નીચે વિશ્વજીત મુખર્જી, વરિષ્ઠ ઇન્વેસ્ટિગેશન ઑફિસર, ગૃહ મંત્રાલય, ભારત સરકાર એવું લખેલું હતું. હવે એ જાણવું જરૂરી હતું કે, ગૃહ મંત્રાલયમાં વરિષ્ટ ઈન્વેસ્ટિગેશન ઓફિસરની કોઈ પદવી છે કે કેમ? તેમજ વિશ્વજીત મુખર્જી નામના કોઈ ઓફિસર ત્યાં કામ કરે છે કે કેમ? તે જાણવા માટે અમે ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર પદાધિકારીઓને શોધવાની કોશિશ કરી ત્યાં અમને મળેલી અધિકારીઓની યાદીમાં વરિષ્ટ ઈન્વેસ્ટિગેશન ઓફિસર નામની કોઈ પદવી પ્રાપ્ત થઈ ન હતી. તે ઉપરાંત અમને વિશ્વજીત મુખર્જી નામના કોઈ ઓફિસરનું નામ પણ આ વેબસાઈટ પર જોવા મળ્યું ન હતું.

ગૃહ મંત્રાલય દ્વારા મોટા ભાગે જે કંઈ પણ માહિતી પ્રસારિત કરવામાં આવે તે તેની વેબસાઈટ પર મૂકવામાં આવતી જ હોય છે. અથવા તો પ્રેસ વિજ્ઞપ્તિ તરીકે વેબસાઈટ પર મૂકવામાં આવતી હોય છે. જ્યાં પણ અમે આ અંગેની માહિતી જોતાં અમને ક્યાંય પણ આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. આ ઉપરાંત અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવના કાર્યાલયનો સંપર્ક કર્યો હતો અને ઉપરોક્ત પોસ્ટના દાવા અંગે વિશ્વજીત મુખર્જી વિશે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયમાં વિશ્વજીત મુખર્જી નામે કોઈ પણ વ્યક્તિ કામ કરતો નથી કે અહીંયાં કોઈ વરિષ્ટ ઈન્વેસ્ટિગેશન ઓફિસર નામની કોઈ પદવી પણ નથી.

અમારી વધુ તપાસમાં અમને PIB Fact Check દ્વારા વર્ષ 2023 અને વર્ષ 2021 માં કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ માહિતી ખોટી હોવાની જાણકારી આપવામાં આવી છે.

Archive

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ થાય છે કે, ગૃહ મંત્રાલયમાં વિશ્વજીત મુખર્જીના નામે કોઈ વ્યક્તિ કામ કરતો નથી કે ત્યાં વરિષ્ટ ઈન્વેસ્ટિગેશન ઓફિસર નામની કોઈ પદવી પણ નથી. આ ચેતાવણી એક અફવા જ છે જે લોકોને ભ્રમિત કરવાના ઉદ્દેશથી એક ખોટા નામ અને પદવી સાથે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, ગૃહ મંત્રાલયમાં વિશ્વજીત મુખર્જીના નામે કોઈ વ્યક્તિ કામ કરતો નથી કે ત્યાં વરિષ્ટ ઈન્વેસ્ટિગેશન ઓફિસર નામની કોઈ પદવી પણ નથી તેમજ સરકાર દ્વારા પણ આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ફોટો સાથેની માહિતી સોશિયલ મીડિયા પર ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Claim Review :   ચીનની ચીજવસ્તુઓનો ઉપયોગ ના કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા આ મેસેજ મૂકવામાં આવ્યો છે.
Claimed By :  Social Media User
Fact Check :  FALSE