શું ખરેખર પતંજલિ દ્વારા ચિકન મસાલાનું વેચાણ કરવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

Partly False રાષ્ટ્રીય I National સામાજિક I Social

‎‎‎‎Pratik Bhartiya નામના ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, શુદ્ધ, સાત્વિક તથા સંપૂર્ણ રીતે શાકાહારી પતંજલિ ના ચિકન મસાલા. એ વિદેશી DNA વાળા લોકો માટે જેઓ ચોરી ચુપકે મટન ચિકન નો સ્વાદ લે છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પતંજલિ દ્વારા સંપૂર્ણ શાકાહારી ચિકન મસાલાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ પોસ્ટને 8 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા આ માહિતીને વોટ્સએપ પર પણ શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પતંજલિ દ્વારા સંપૂર્ણ શાકાહારી ચિકન મસાલાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ પતંજલિની ઓફિશિયલ વેબસાઈટ પર સર્ચ કરતાં અમને ક્યાંય પણ પતંજલિ દ્વારા ચિકન મસાલાનું વેચાણ કરવામાં આવતું હોવાની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે પતંજલિના માર્કેટિંગ મેનેજર સુનિલ ગુપ્તા સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “પતંજલિ દ્વારા ક્યારેય આ પ્રકારે ચિકન મસાલાનું વેચાણ કરવામાં નથી આવતું. જો કે થોડાક સમય અગાઉ આ રીતે પતંજલિ દ્વારા ચિકન મસાલાનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી પ્રાપ્ત થતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, કેનેડાની કોઈ એક કંપની દ્વારા આ રીતે પતંજલિના લોગો જેવા જ લોગો સાથે ચિકન મસાલાનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. હાલમાં પતંજલિ દ્વારા આ પ્રકારે ચિકન મસાલાનું વેચાણ કરવામાં આવતી માહિતી તદ્દન ખોટી છે.”

ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારી હતી અને જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને સંદેશ દ્વારા 24 સપ્ટેમ્બર, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ પ્રોડક્ટ બાબા રામદેવની કંપનીની નથી. આ ચિકન મસાલો પતંજલિ ફૂડ્સ નામની એક કંપનીની વેબસાઇટ પર વેચવામાં આવી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે patanjalifoods.com નામની આ સાઇટ કેનેડાની છે અને ચીકન મસાલો અહીં 1.99 ડોલર એટલે કે 129 રૂ.માં વેચાય છે. આ કંપનીનો લોગો પણ પતંજલિ સાથે સામ્યતા ધરાવે છે. આ કંપનીનું રજિસ્ટ્રેશન 18 જુલાઈ, 2015ના દિવસે થયું હતું અને તેના માલિક જગજીત ધામી છે જે કોલંબિયાના નિવાસી છે. બાબા રામદેવની કંપનીના પ્રવક્તાએ માહિતી આપી છે કે પતંજલિ ચિકન મસાલા જેવી કોઈ પ્રોડક્ટ નથી વેચતી. તેણે બીજી વેબસાઇટ પર કાનૂની કાર્યવાહી કરવાની પણ માગણી કરી છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

પતંજલિના ઓરિજનલ લોગો અને ચિકન મસાલાનું વેચાણ કરતી patanjalifoods.com નામની કંપનીના લોગો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કરતા અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. jansatta.com | thelallantop.com

અમારી વધુ તપાસમાં અમને Vtv Gujarati News and Beyond દ્વારા 25 સપ્ટેમ્બર, 2017 ના રોજ પતંજલિ દ્વારા ચિકન મસાલાનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતીની સત્યતા તપાસતા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ પતંજલિ દ્વારા ચિકન મસાલાનું વેચાણ કરવામાં નથી આવતું એજ સાબિત કરવામાં આવ્યું છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ બાબા રામદેવની કંપની પતંજલિ દ્વારા ચિકન મસાલાનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી ખોટી છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ બાબા રામદેવની કંપની પતંજલિ દ્વારા ચિકન મસાલાનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી ખોટી છે. પરંતુ patanjalifoods.com નામની એક કેનેડિયન કંપનીની વેબસાઈટ પર પતંજલિના ભળતા લોગો સાથે ચિકન મસાલાનું વેચાણ કરવામાં આવતું હતું.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર પતંજલિ દ્વારા ચિકન મસાલાનું વેચાણ કરવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Partly False