
Aap KA Alpesh નામના ફેસબુક યુઝર દ્વારા 24 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાડા છ કરોડ જનતા ની મજાક આના થી મોટી કોઈ હોય ના શકે. જે ધારા સભ્ય ને કોર્ટે ગેરલાયક ઠેરવ્યા હતા. જેવો 8 પાસ હોવા છતાં શિક્ષણ મંત્રી છે જેમના નેતૃત્વ માં આજે શિક્ષણ ખાડે ગયું છે.સંચાલકો.શિક્ષકો.વાલીઓ. સ્કૂલ વાન રીક્ષા ચલાવતા લોકો અને વિદ્યાર્થીઓ ત્રાહિમામ છે તેવા વ્યક્તિ ને બેસ્ટ નો એવોર્ડ પ્રજા ની ક્રૂર મજાક સિવાય શુ કહી શકાય?. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે. આ પોસ્ટને 167 લોકોએ લાઈક કરી હતી. 17 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 96 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ માહિતીને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને myneta.info પર નેતાઓ દ્વારા ચૂંટણી સમયે પોતાના વિશેની તમામ સાચી માહિતી સોગંધનામામાં રજૂ કરવાની હોય છે એ પ્રાપ્ત થઈ હતી. જેમાં ગુજરાતના શિક્ષામંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અંગ્રેજી વિષય સાથે બી.એ. બી.એડ અને એલ.એલ.બી કર્યું હોવાની માહિતી આપવામાં આવી છે.
અમારી વધુ તપાસમાં અમને iamgujarat.com દ્વારા 27 ડિસેમ્બર, 2017 ના રોજ રૂપાણી સરકારના મંત્રીમંડળના અભ્યાસ અંગે પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અંગ્રેજી વિષય સાથે બી.એ. બી.એડ અને એલ.એલ.બી કર્યું હોવાની માહિતી આપવામાં આવી છે.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Mera News | Sandesh | DivyaBhaskar
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સીધો જ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સંપર્ક સાધ્યો હતો. તેઓને આ અંગે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “તેઓએ અંગ્રેજી વિષય સાથે બી.એ. બી.એડ અને એલ.એલ.બી.નો અભ્યાસ કર્યો છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારની ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.”
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 8 ધોરણ સુધી નહીં પરંતુ અંગ્રેજી વિષય સાથે બી.એ. બી.એડ અને એલ.એલ.બી. સુધી અભ્યાસ કર્યો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 8 ધોરણ સુધી નહીં પરંતુ અંગ્રેજી વિષય સાથે બી.એ. બી.એડ અને એલ.એલ.બી. સુધી અભ્યાસ કર્યો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
