
Ankit Akoliya નામના ફેસબુક યુઝર દ્વારા તા.20 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “#હાર્દિક ને લાફો માર્યા પછી…. #ભાજપીયા માં ડર નો માહોલ, જોઈ લો ડેપ્યુટી સીએમ નીતિન પટેલ નો રોડ શો કેટલી જનતા છે અને કેટલી પોલીસ???” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 141 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા, 3 લોકો દ્વારા પોતાના પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 285 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હાર્દિક પટેલને લાફો માર્યા પછી, ભાજપના નેતાઓને ડર લાગવા માંડયો અને લોકો કરતા પોલીસ વધુ રાખવામાં આવે છે.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી હતી, તેથી અમે સૌ પ્રથમ ગૂગલ પર સર્ચ કર્યુ હતુ, કે ભાજપના નેતાઓની સિક્યુરિટીમાં કોઈ વધારો કરવામાં આવ્યો છે કે કેમ. ગૂગલ પર “ગુજરાતમાં ભાજપના નેતાઓની સુરક્ષામાં વધારો કરાયો” લખતા અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને હાલ ભાજપના નેતાઓની સુરક્ષામાં વધારો કરાયો હોવાનુ ક્યાંય પણ જાણવા મળ્યુ ન હતુ. ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં ધ્યાનથી જોતા ફોટો 19 એપ્રિલ 2019ના બપોરે 3.13 વાગ્યે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. તેથી અમે નિતિન પટેલના ફેસબુકના ઓફિશીયલ પેજની મુલાકાત લેતા અમને જાણવા મળ્યુ હતુ કે, નિતિન પટેલ દ્વારા તે દિવસે ઉંઝામાં રોડ શોનુ આયોજન કરાયુ હતુ અને તેમના દ્વારા તે દિવસની ફોટો પણ ફેસબુક પર મુકવામાં આવી હતી. જે આપ નીચે જોઈ શકો છો, જેમાં મોટી સંખ્યમાં લોકો ઉપસ્થિત હોવાનુ દેખાઈ રહ્યું છે.

નિતિન પટેલ દ્વારા મહેસાણા વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર ડો.આશાબેન પટેલના સમર્થનમાં રોડ-શોનું આયોજન કરવામાં આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ હતુ. તેથી અમે ડો. આશાબેન પટેલના ફેસબુક પેજની મુલાકાત લીધી હતી તેમણે પણ આ રોડશોની ફોટો શેર કરી હતી, તેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હોવાનું દેખાઈ છે. જે ફોટો આપ નીચે જોઈ શકો છો.

ત્યાર બાદ અમે સીધી જ નિતિન પટેલ જોડે આ અંગે વાત કરી હતી, તેમને અમને જણાવ્યું હતું કે, “આ વાત સાવ ખોટી છે, રોડ શો માટે પાર્ટી દ્વારા પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યુ હતુ. પોલીસ દ્વારા પણ જરૂરીઆત મુજબનુ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યુ હતુ, અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. અમે લોકો વચ્ચે જઈને કામ કરીએ છીએ.”

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલી વાત ખોટી છે. નિતિન પટેલની રેલીમાં મોટી સંખ્યમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને જરૂરીઆત મુજબનો જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, નિતિન પટેલના રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરીઆત મુજબનો જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Title:શું નિતિન પટેલે ડરથી રોડ-શોમાં પોલીસ પ્રોટેક્શન વધાર્યુ હતુ..? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
