શું ખરેખર ભાજપા નેતા મેનકા ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની ટીકા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની ટીકા કરતી એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપની નેતા મેનકા ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની ટીકા કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભાજપની નેતા મેનકા ગાંધીનો નહીં પરંતુ કોંગ્રેસની નેતા ડોલી શર્માનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mavjibhai Mendpara નામના ફેસબુક યુઝર દ્વારા 25 મે, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જય મેનકા ગાંધી પરિવાર આજ સત્ય.બોલા સુનિયે ભાઈ ઓ બહેનો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપની નેતા મેનકા ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની ટીકા કરવામાં આવી તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ એ માહિતી પ્રાપ્ત થઈ નહતી કે, મેનકા ગાંધી દ્વારા ભાજપા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવામાં આવી હોય. જો આવું બન્યું હોત તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત. પરંતુ આવા કોઈ સમાચાર પણ અમને પ્રાપ્ત થયા નહતા.

ત્યાર બાદ અમે વાયરલ થઈ રહેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ વીડિયોમાં જે મહિલા બોલી રહી છે તે એવું જણાવે છે કે, તે 36 વર્ષની છે જ્યારે ભાજપા નેતા મેનકા ગાંધી 64 વર્ષના છે. જેના પરથી હવે એ જાણવું જરૂરી હતું કે, આ મહિલા છે કોણ?

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ મહિલાના આ પ્રકારના ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. વધુમાં એ પણ જાણવા મળ્યું હતું કે, આ મહિલાનું નામ ડોલી શર્મા છે. તેના સત્તાવાર ફેસબુક પેજ પરની માહિતી પરથી એ જાણવા મળ્યું હતું કે, તે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં રહે છે.

https://www.facebook.com/263084037549244/videos/747318049299632

Archive

20 એપ્રિલ, 2021 ના રોજ ડોલી શર્માએ ફેસબુક લાઇવ પર ગાઝિયાબાદની ખરાબ પરિસ્થિતિને લઈને ભાજપની ટીકા કરી હતી. આ વીડિયોની ત્રણ મિનિટની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તમે તે 14.15 મિનિટ પછીથી જોઈ શકો છો.

ડોલી શર્માએ કોંગ્રેસ તરફથી ગાઝિયાબાદ સીટ પરથી વર્ષ 2019 માં લોકસભાની ચૂંટણી લડી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભાજપની નેતા મેનકા ગાંધીનો નહીં પરંતુ કોંગ્રેસની નેતા ડોલી શર્માનો છે.

Avatar

Title:શું ખરેખર ભાજપા નેતા મેનકા ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની ટીકા કરવામાં આવી…?

Fact Check By: Vikas Vyas 

Result: False