
કોંગ્રેસ દ્વારા હાલમાં તેમના ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે હાલમાં તેમનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જગદીશ ઠાકોર કહી રહ્યા છે કે, “પાટીદારને તો સિધા કરીને મત લઈશ અને આદિવાસીને તો ચપટી ચવાણું અને એક કોથળીમાં પતાવી દઈશ.” આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા મતદારનો ધમકાવવામાં આવી રહ્યા છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો જગદીશ ઠાકોરનો વિડિયો અધૂરો છે. ઓરિજનલ વિડિયોમાં જગદીશ ઠાકોર જીતુભાઈ વાઘાણી પર નિશાન સાધી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Chintan Vyas નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 08 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા મતદારનો ધમકાવવામાં આવી રહ્યા છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જગદીશ ઠાકોરની યુટ્યુબ ચેનલ પર ઓરિજનલ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “જગદીશ ઠાકોર દ્વારા દિયોદર વિધાનસભા સ્નેહ મિલન સંમેલનમાં આપવામાં આવેલુ ભાષણ.” તમે નીચે ઓરિજનલ વિડિયો નીચે જોઈ શકો છો.
જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, “આ તમે નથી બોલતા જીતુ વાઘાણી તમારો વંશજ બોલી રહ્યો છે કે, પાટીદારને તો સિધા કરીને મત લઈશ અને આદિવાસીને તો ચપટી ચવાણું અને એક કોથળીમાં પતાવી દઈશ.” 6.00 મિનિટ પરથી તેઓ જણાવી રહ્યા છે.
તેમજ ઓરિજનલ વિડિયો અને વાયરલ વિડિયો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો જગદીશ ઠાકોરનો વિડિયો અધૂરો છે. ઓરિજનલ વિડિયોમાં જગદીશ ઠાકોર જીતુભાઈ વાઘાણી પર નિશાન સાધી રહ્યા છે.

Title:શું ખરેખર જગદીશ ઠાકોર દ્વારા મતદારોને ધમકી આપવામાં આવી…?
Fact Check By: Yogesh KariaResult: False
