
તાજેતરમાં સોશિયલ મીડિયા પર દારુ માટે પડાપડી કરી રહેલા લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દારુ માટે પડાપડી કરી રહેલા લોકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ લુધિયાણાના કૌંકે કલાન ગામ સ્થિત બાબા રોડે શાહજીના મેળામાં પ્રસાદ સ્વરુપે આપવામાં આવી રહેલા દારુનો છે. આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 17 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, MSP નો લાભલેતા પંજાબ ના સાહસિક ક્રાંતિકારી ખેડૂતો… #શંભુ_બોડર . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો એક ટ્વિટર યુઝર દ્વારા 13 સપ્ટેમ્બર, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
વધુ તપાસમાં આજ વીડિયો સાથે મળતા દ્રશ્યો સાથેનો વધુ એક વીડિયો આ વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ જનશક્તિ ન્યૂઝ પંજાબ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં તમે 8.20 થી 9.55 મિનિટ અને 14.46 થી 18.09 મિનિટ સુધી વાયરલ વીડિયો જેવું જ દ્રશ્ય જોઈ શકો છો. તેમાં લોકો ડ્રમમાં દારૂની બોટલો ખાલી કરતા જોવા મળે છે. આ વીડીયોનું શીર્ષક છે, “મેલા બાબા રોડે શાહ જીનો ભવ્ય મેળાવડો.”
આ પછી અમને બીજો વીડિયો મળ્યો જેમાં તમે લોકોની મોટી ભીડ જોઈ શકો છો. તેમાં તમે જોઈ શકો છો કે, લોકોમાં દારૂનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ વીડિયો આ વર્ષે 7 સપ્ટેમ્બરે પ્રસારિત થયો હતો. આજ શીર્ષક અનુસાર, આ વીડિયો કૌંકે કલાન ગામ સ્થિત બાબા રોડે શાહની દરગાહનો છે.
આ પછી ફેક્ટ ક્રેસેન્ડોએ પંજાબ સ્થિત પત્રકારોની પૂછપરછ કરી. અમે શીખ સિયાસત ન્યૂઝ નામની ન્યૂઝ વેબસાઈટના એડિટર પરમજીત સિંહનો સંપર્ક કર્યો. અમે તેમની પાસેથી આ વીડિયો વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, દેશમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન પર શીખ રાજનીતિ છવાયેલી રહી છે. તેમણે અમને કહ્યું, “પંજાબમાં કેટલાક ડેરા છે જ્યાં આ પ્રકારની પ્રથા છે. આ વીડિયો ખેડૂતોના આંદોલનનો ન હોઈ શકે કારણ કે, ત્યાં આવી વસ્તુઓ થતી નથી. હું આ વાત ચોક્કસ કહી શકું છું કારણ કે, મારી ટીમ શરૂઆતથી જ ખેડૂતોના આંદોલનને કવર કરી રહી છે.”
ત્યારબાદ ફેક્ટ ક્રેસેન્ડોએ અન્ય પત્રકાર જસવીર સિંહ મુક્તસરનો સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું કે, “આ વીડિયો ખેડૂતોના આંદોલન વિશે નથી. લુધિયાણાના કૌંકે કલાન ગામમાં સ્થિત બાબા રોડે શાહ જીની દરગાહ પર દારૂનું વિતરણ કરવાનો આ વીડિયો છે. દર વર્ષે બાબા રોડે શાહ જીની દરગાહમાં મેળાનું આયોજન કરવામાં આવે છે અને પ્રસાદ તરીકે દારૂનું વિતરણ કરવામાં આવે છે. આ વીડિયોનો ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી.”
આ પછી, ફેક્ટ ક્રેસેન્ડોએ બાબ રોડે શાહ દરગાહના કમિટીના સભ્ય “પોલા સિંહ” નો સંપર્ક કર્યો. તેણે વાયરલ થયેલા દાવાને નકારી કાઢ્યો અને કહ્યું, “આ વીડિયો બાબા રોડે શાહ જીની દરગાહ પર યોજાયેલા મેળાનો છે. આ મેળો દર વર્ષે 5-6 સપ્ટેમ્બરના રોજ ભરાય છે. આ વીડિયો વર્ષ 2021 માં યોજાયેલા મેળાનો છે. આ મેળામાં પ્રસાદ તરીકે દારૂનું વિતરણ કરવામાં આવે છે.”
પોલા સિંહે 2021 માં યોજાયેલા મેળાના કેટલાક લાઈવ વીડિયોની લિંક્સ પણ અમારી સાથે શેર કરી છે.
તમામ સંશોધનના અંતે, ઉપરોક્ત પુરાવાઓની પુષ્ટિ કરવા માટે, ફેક્ટ ક્રેસેન્ડોએ કૌંકે કલાન પોલીસ સ્ટેશનના ASI હરપ્રીત સિંહનો સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે “વાયરલ થઈ રહેલો વીડિયો 2021 માં બાબા રોડે શાહજીના દરબારમાં યોજાયેલા મેળાનો છે. ત્યાં દર વર્ષે આ મેળો ભરાય છે અને આ રીતે પ્રસાદ તરીકે દારૂનું વિતરણ કરવામાં આવે છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દારુ માટે પડાપડી કરી રહેલા લોકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ લુધિયાણાના કૌંકે કલાન ગામ સ્થિત બાબા રોડે શાહજીના મેળામાં પ્રસાદ સ્વરુપે આપવામાં આવી રહેલા દારુનો છે. આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે..
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો તાજેતરમાં દારુ માટે પડાપડી કરી રહેલા લોકોના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Missing Context
