
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી તેમજ તેમની સાથે અન્ના હજારે, અરવિંદ કેજરીવાલ અને અન્ય કેટલાક નામાંકિત નેતાઓનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો વર્ષ 2013 માં મળેલી RSS ની મિટીંગનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2011 માં દિલ્હી ખાતે લોકપાલ બિલ પર ચર્ચા-વિચારણા માટે સામાજીક કાર્યકર અન્ના હજારે અને તેમની ટીમ ભાજપના નેતાઓને મળી હતી તેનો છે. આ ફોટોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
જીગો અમદાવાદી નામના ફેસબુક યુઝર દ્વારા 15 જૂન, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, Rss ની 2013ની મિટિંગમાં હાજર મહાનુભાવોના નામ કૉમેન્ટમાં લખો.. પાછલી બારીએ કોણ છે ખબર પડશે.. શેયર કરજો. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો વર્ષ 2013 માં મળેલી RSS ની મિટીંગનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને firstpost.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 1 જુલાઈ, 2011 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વર્ષ 2011 માં લોકપાલ બિલ પર ચર્ચા-વિચારણા માટે સામાજીક કાર્યકર અન્ના હજારે અને તેમની ટીમ ભાજપના નેતાઓને દિલ્હી ખાતે મળ્યા હતા તેનો આ ફોટો છે. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ ફોટોને RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.
અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો અને માહિતી સાથેના અન્ય સામાચાર indiatoday.in પર પણ પ્રાપ્ત થયા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2011 માં દિલ્હી ખાતે લોકપાલ બિલ પર ચર્ચા-વિચારણા માટે સામાજીક કાર્યકર અન્ના હજારે અને તેમની ટીમ ભાજપના નેતાઓને મળી હતી તેનો છે.

Title:શું ખરેખર વર્ષ 2013 માં મળેલી RSS ની મિટીંગનો આ ફોટો છે…?
Fact Check By: Vikas VyasResult: False
