
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વાહનમાં અંદરોઅંદર વાતચીત કરી રહેલા ભારતીય સેનાના જવાનોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતીય સેનાના જવાનો એવી વાતચીત કરી રહ્યા છે કે, તાજેતરમાં જવાનોના ડિપ્લોયમેન્ટ માટે બુલેટપ્રૂફ વાહનો ન હોવાને કારણે તેઓને સાધારણ વાહનમાં મુસાફરી કરવાની ફરજ પડી છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વાહનમાં અંદરોઅંદર વાતચીત કરી રહેલા ભારતીય સેનાના જવાનોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2020થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ, ભારત-પાકિસ્તાન યુદ્ધ કે પહેલગામ હુમલા સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 24 એપ્રિલ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જુઓ આ સેનાના જવાનો છે અને એ લોકોને કશું સેફટી સરકાર દ્વારા આપવામાં આવતી નથી અને અસુરક્ષિત અનુભવી રહ્યા છે જો સરકાર આટલું બધું પૈસા ચૂંટણી યો માં કે pm ની સુરક્ષા માટે વાપરતી હોય તો સરહદ પર રક્ષા કરતા આપણા જવાનો માટે કેમ સુરક્ષાના આપવી જોઈએ આતો આપણા દેશ ના અસલી હીરો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતીય સેનાના જવાનો એવી વાતચીત કરી રહ્યા છે કે, તાજેતરમાં જવાનોના ડિપ્લોયમેન્ટ માટે બુલેટપ્રૂફ વાહનો ન હોવાને કારણે તેઓને સાધારણ વાહનમાં મુસાફરી કરવાની ફરજ પડી છે તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર વન ઈન્ડિયા દ્વારા 10 ઓક્ટોમ્બર, 2020ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રાહુલ ગાંધી દ્વારા બુલેટપ્રૂફ વિનાના ટ્રકમાં બેઠેલા જવાનોનો એક વીડિયો પોસ્ટ કરીને સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, વાયરલ વીડિયો તાજેતરનો નહીં પરંતુ વર્ષો જૂનો છે.
રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટ્વિટ
વધુમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. hindustantimes.com | deccanherald.com
ઉપરોક્ત સમાચારોમાં એવું જણાવવામાં આવ્યું છે કે, “રાહુલ ગાંધી દ્વારા જવાનોનો આ વીડિયો પોસ્ટ કર્યા બાદ CRPF દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે. CRPFના પ્રવક્તા ડીઆઈજી મોસિસ ધીનાકરને જણાવ્યું છે કે, વીડિયોની સત્યતા વિશે CRPF તપાસ કરી રહ્યું છે. ઉપરાંત CRPF પાસે તમામ ઑપરેશન જરુરિયાતોને પહોંચી વળવા માટેના પૂરતા વાહનો અને સાધનો ઉપલબ્ધ છે.”
એબીપી ન્યૂઝ દ્વારા પણ આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર 10 ઓક્ટોમ્બર, 2020ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વાહનમાં અંદરોઅંદર વાતચીત કરી રહેલા ભારતીય સેનાના જવાનોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2020થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ, ભારત-પાકિસ્તાન યુદ્ધ કે પહેલગામ હુમલા સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title: જાણો દેશના જવાનો પાસે બુલેટપ્રૂફ વાહનો ન હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Misleading
