
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વીજ થાંભલા પર ચઢીને વીજતાર કાપી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રેમિકાનો ફોન વ્યસ્ત આવતાં પ્રેમીએ વાજ થાંભલા પર ચઢીને આખા ગામની વીજળીના તાર કાપી કાઢ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વીજ થાંભલા પર ચઢીને વીજતાર કાપી રહેલા યુવકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં જે યુવક છે એ આસામના એક ગામમાં ખરાબ થઈ ગયેલા વીજતાર કાપીને નવા લગાવી રહ્યો હતો તેનો છે. વીજતાર લગાવનારા યુવકે જ આ અંગેની સ્પષ્ટતા કરી હતી. આ વીડિયો સાથે જે માહિતી આપવામાં આવી છે એ તદ્દન ખોટી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 3 સપ્ટેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પ્રેમિકાનો ફોન વ્યસ્ત હતો તો ગામની વીજળીના તાર કાપી દીધા !. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રેમિકાનો ફોન વ્યસ્ત આવતાં પ્રેમીએ વાજ થાંભલા પર ચઢીને આખા ગામની વીજળીના તાર કાપી કાઢ્યા.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો ટેકનિકલ વર્ક નામની યુટ્યુબ ચેનલ પર 17 જુલાઈ, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી આપવામાં આવી ન હતી.
વધુમાં અમને આ જ યુટ્યુબ ચેનલ પર વીજળીના તાર સંબંધિત કામ કરી રહેલા લોકોના ઘણા બધા વીડિયો અપલોડ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. ત્યાર બાદ અમે અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે યુટ્યુબ પર આપેલા ફેસબુક પેજની લિંક પરથી તેના માલિકનો સંપર્ક કરતાં અમારી વાત જાહિદુલ ઈસ્લામ સાથે થઈ હતી. તેઓને અમે આ વીડિયો અંગે પૂછતાં જાણવા મળ્યું હતું કે, આ વીડિયો આસામના બક્શા જિલ્લાના નિકાશી ગામમાં કામ કરી રહેલા યુવકનો છે. એમાં અનવર નામનો યુવક જૂના તાર કાપીને નવા લગાવી રહ્યો હતો ત્યારે આ વીડિયો લેવામાં આવ્યો હતો. પરંતુ કોઈએ આ વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે અનવર પાસે આ વાયરલ વીડિયો સાથેની માહિતી ખોટી હોવા અંગેની સ્પષ્ટતા કરતો એક વીડિયો અનવાર પાસે મંગાવ્યો હતો. ત્યારે અનવર અને તેના સાથી મિત્રોએ એક વીડિયો બનાવીને અમને મોકલ્યો હતો. જેમાં તેમની ટીમનો ગાડીનો ડ્રાઈવર શકીબુલ હુસૈન અને અનવર આ વાયરલ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હોવાની સ્પષ્ટતા કરી રહ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વીજ થાંભલા પર ચઢીને વીજતાર કાપી રહેલા યુવકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં જે યુવક છે એ આસામના એક ગામમાં ખરાબ થઈ ગયેલા વીજતાર કાપીને નવા લગાવી રહ્યો હતો તેનો છે. વીજતાર લગાવનારા યુવકે જ આ અંગેની સ્પષ્ટતા કરી હતી. આ વીડિયો સાથે જે માહિતી આપવામાં આવી છે એ તદ્દન ખોટી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title: જાણો પ્રેમિકાનો ફોન વ્યસ્ત આવતાં યુવકે આખા ગામની વીજળીના તાર કાપી કાઢ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
