જાણો સુનિતા વિલિયમ્સના લેન્ડિંગના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્પેસશીપનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી પરત આવી એ સ્પેસશીપનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સ્પેસશીપનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ સ્પેસએક્સ સ્ટારશીપના લેન્ડિંગનો છે જ્યારે સુનિતા વિલિયમ્સ સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન કેપ્સૂલ દ્વારા પૃથ્વી પર પરત ફરી હતી જેનું લેન્ડિંગ ફ્લોરિડાના સમુદ્રમાં થયું હતું. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 20 માર્ચ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સુનિતા વિલિયમ્સ ધરતી પર તેનું આગમન. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી પરત આવી એ સ્પેસશીપનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ સૌપ્રથમ અમે સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર કેવી રીતે ઉતર્યા? એ સર્ચ કરતાં અમને નાસાની અધિકૃત YouTube ચેનલ પર ક્રૂ 9ના પૃથ્વી પર પરત ફરવાનો સંપૂર્ણ વીડિયો મળ્યો. આ વીડિયો અહીં 19 માર્ચે અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ક્રૂ એક કેપ્સ્યૂલમાં પરત ફર્યો હતો, જે પાણીમાં ઉતર્યો હતો. આ વીડિયોમાં નાસાના અવકાશયાત્રી નિક હેગ, સુનિતા વિલિયમ્સ, બુચ વિલમોર અને અવકાશયાત્રી એલેક્ઝાંડર ગોર્બુનોવ આ કેપ્સ્યુલમાંથી બહાર આવી રહ્યા છે.
Embed –

અમારી વધુ તપાસમાં અમને જાણવા મળ્યું કે ક્રૂ 9 ના પૃથ્વી પર પરત આવવા અંગે નાસાની વેબસાઈટ પર એક અહેવાલ પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જે મુજબ, “નાસાના સ્પેસએક્સ ક્રૂ -9 એ એજન્સીનું નવમું કોમર્શિયલ ક્રૂ રોટેશન મિશન આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર પૂર્ણ કર્યું, જે અંતર્ગત સ્પેસએક્સ ડ્રેગન સ્પેસક્રાફ્ટ અમેરિકાના અખાતમાં ફ્લોરિડાના તલ્લાહસી કિનારે સુરક્ષિત રીતે ઉતર્યું હતું.”

પછી અમને ઘણા મીડિયા અહેવાલોથી ખબર પડી કે, સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન અમેરિકાના અખાતમાં ફ્લોરિડાની તળેટીમાં સુરક્ષિત રીતે ઉતરી ગયું છે. સંબંધિત સમાચાર અહીં, અહીં અને અહીં જુઓ.

વધુ તપાસમાં અમે વાયરલ વીડિયો શોધવાનું શરૂ કર્યું. આ માટે અમે વાયરલ વીડિયોમાંથી ફ્રેમ્સ લીધી અને તેને ગુગલ લેન્સથી સર્ચ કર્યું. અમને આ વીડિયો  balbinoshop નામના ઈન્સ્ટા યુઝરના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલો મળ્યો છે. યુઝરે આ વીડિયો 5 ફેબ્રુઆરી, 2025ના રોજ પોસ્ટ કર્યો હતો. વીડિયો સાથેના કૅપ્શનમાં તેને ટેક્સાસમાં સ્પેસએક્સના સ્ટારબેઝ ખાતે સ્ટારશિપ ફ્લાઇટ 7ના પરીક્ષણ તરીકે વર્ણવવામાં આવ્યું છે. આનાથી એ વાતની પુષ્ટિ થઈ કે, વાયરલ વીડિયો સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસી પહેલાંથી જ ઈન્ટરનેટ પર હાજર હતો.

આગળની તપાસમાં અમને SpaceX ની YouTube ચેનલ પર સ્ટારશિપ ફ્લાઇટ 7 લૉન્ચ અને બૂસ્ટર રિટર્નનો વીડિયો મળ્યો. 25 ફેબ્રુઆરીએ અહીં અપલોડ કરવામાં આવેલો આ વીડિયો બતાવે છે કે, બૂસ્ટર પરત કરવામાં આવે છે અને સુરક્ષિત રીતે કેપ્ચર કરવામાં આવે છે. સાથેના વિવરણ મુજબ, આ ટેસ્ટ 16 જાન્યુઆરી, 2025ના રોજ થઈ હતી.

અમને 13 ઑક્ટોબર, 2024ના રોજ શોન મેગુઈરે નામના X વપરાશકર્તા દ્વારા અપલોડ કરવામાં આવેલો આવો જ એક વીડિયો મળ્યો. અહીં પણ અમે તે જ દ્રશ્ય જોઈ શકો છો. તેની સાથે લખેલા કેપ્શન અનુસાર, આ વીડિયો SpaceX રોકેટ લેન્ડિંગ સાથે સંબંધિત છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સ્પેસશીપનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ સ્પેસએક્સ સ્ટારશીપના લેન્ડિંગનો છે જ્યારે સુનિતા વિલિયમ્સ સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન કેપ્સૂલ દ્વારા પૃથ્વી પર પરત ફરી હતી જેનું લેન્ડિંગ ફ્લોરિડાના સમુદ્રમાં થયું હતું. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો સુનિતા વિલિયમ્સના લેન્ડિંગના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False