
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મશીન દ્વારા બનાવવામાં આવી રહેલા નકલી ઘઉંનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મશીન દ્વારા બનાવવામાં આવી રહેલા નકલી ઘઉંનો નહીં પરંતુ મશીન દ્વારા કરવામાં આવી રહેલા પ્લાસ્ટિકના રિસાયક્લિંગનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 2 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, નકલી ઘઉં પણ બનવા લાગ્યા, ખુલ્લી આંખે બજાર જુઓ, નકલી ઘઉં બનાવવા માટે હવે શું બચ્યું…? આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મશીન દ્વારા બનાવવામાં આવી રહેલા નકલી ઘઉંનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમને એ મલૂમ પડ્યું કે, આ વીડિયોમાં ‘SMARTEST WORKERS’ નામનો એક વોટરમાર્ક નજરે પડી રહ્યો છે.
ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ‘Smartest Worker’ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 24 સપ્ટેમ્બર, 2023 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથેના શીર્ષક અને લખાણમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આ વેસ્ટ પ્લાસ્ટિકના રિસાયક્લિંગનો વીડિયો છે.
સ્માર્ટેસ્ટ વર્કરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની વધુ તપાસમાં અમને જાણવા મળ્યું કે, આ યુઝર દ્વારા રિસાયક્લિંગ વસ્તુઓના ઘણા સમાન વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. જે તમે અહીં Instagram એકાઉન્ટ પર જોઈ શકો છો.
હવે એ પણ જાણવું જરુરી હતું કે, પ્લાસ્ટિક કઈ રીતે રિસાયકલ થાય છે?
એન્ટરપ્રિનિયોર ઈન્ડિયા ટીવીના એક અહેવાલ મુજબ સૌપ્રથમ પ્લાસ્ટિકને ‘ડસ્ટ ક્લીનર મશીન’ વડે સાફ કરવામાં આવે છે. આ પછી, આને ‘સ્ક્રેપ ગ્રાઇન્ડર મશીન’ માં મૂકવામાં આવે છે અને નાના ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને ‘વોશિંગ કન્વેયર’ નામના મશીનમાં મૂકવામાં આવે છે જે તેને સાફ કરે છે. આગળ, ભીના પ્લાસ્ટિકના ટુકડાને સૂકવવા માટે ‘ફિલ્મ ડ્રાયર મશીન’માં મૂકવામાં આવે છે. આ સૂકા ટુકડાઓ પછી ‘એગ્લોમેરેટર મશીન’ માં મૂકવામાં આવે છે જ્યાં તેને વધુ કાપીને ગ્રાઉન્ડ કરવામાં આવે છે. ત્યાંથી તેને ‘હીટિંગ બેરલ’માં મૂકવામાં આવે છે. પછી તેને પાણીથી ઠંડું કરીને કટરમાં નાખીને પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા તમે નીચેના વીડિયોમાં જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મશીન દ્વારા બનાવવામાં આવી રહેલા નકલી ઘઉંનો નહીં પરંતુ મશીન દ્વારા કરવામાં આવી રહેલા પ્લાસ્ટિકના રિસાયક્લિંગનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો નકલી ઘઉં બનાવવાના મશીનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
