
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૂરના પાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સમાપ્ત કર્યા બાદ પાકિસ્તાનમાં આવેલા પૂરનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પૂરના પાણીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ 16 એપ્રિલ, 2025થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે જ્યારે ભારતે 22 એપ્રિલ, 2025ના પહેલગામ આતંકી હુમલા બાદ સિંધુ જળ સંધિ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. આ વીડિયોને સિંધુ જળ સંધિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 28 એપ્રિલ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મોદીની બેવડી રણનીતિ.. પાકિસ્તાનમાં આવ્યું પુર…. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સમાપ્ત કર્યા બાદ પાકિસ્તાનમાં આવેલા પૂરનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો ‘અફઘાનિસ્તાન વેધર ઇન્ફો’ નામના ફેસબુક પેજ પર વાયરલ વીડિયો મળ્યો. આ વીડિયો 16 એપ્રિલ, 2025ના રોજ અહીં અપલોડ કરવામાં આવ્યો હતો. આના પરથી સ્પષ્ટ થાય છે કે, વાયરલ વીડિયો પહેલગામ હુમલા પહેલાંનો છે. સમાચાર મુજબ, આ વીડિયો પાકિસ્તાનમાં થયેલા ભારે વરસાદનો છે.
અમને મળેલી માહિતીનો ઉપયોગ કરીને, અમે વધુ તપાસ કરી જેના પરિણામે અમને એક X એકાઉન્ટ પર વાયરલ વીડિયો મળ્યો. આ વીડિયો 17 એપ્રિલ, 2025ના રોજ અહીં અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોના વર્ણન મુજબ, વાયરલ વીડિયોમાં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલા વિનાશક પૂરના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે.
પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આજે, બીજો એક વીડિયો સામે આવ્યો છે જેમાં વીજળી પડ્યા પછી પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બટ્ટગ્રામ જિલ્લાના અલાઈ તાલુકામાં સ્થિત થાકોટ બજારમાં ભારે પૂર જોવા મળી રહ્યું છે. પૂરને કારણે દુકાનો અને વાહનોને ભારે નુકસાન થયું હતું.
સિંધુ જળ સંધિ સ્થગિત-
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે દાયકાઓ જૂની સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. વિશ્વ બેંકની મધ્યસ્થી હેઠળ સિંધુ જળ સંધિ 1960થી ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદી અને તેની ઉપનદીઓના ઉપયોગને નિયંત્રિત કરે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પૂરના પાણીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ 16 એપ્રિલ, 2025થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે જ્યારે ભારતે 22 એપ્રિલ, 2025ના પહેલગામ આતંકી હુમલા બાદ સિંધુ જળ સંધિ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. આ વીડિયોને સિંધુ જળ સંધિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title: જાણો તાજેતરમાં ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સમાપ્ત કર્યા બાદ પાકિસ્તાનમાં આવેલા પૂરના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: Misleading
